વડોદરા: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે હવે પોઝિટવ દર્દીઓનો આંક પણ હવે 1000ને પાર કરી ગયો છે. આ દરમિયાન સયાજી હોસ્પિટલમાં શ્વાસની તકલીફ તથા તાવની ફરિયાદ સાથે સારવાર માટે દાખલ થયેલી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તે હોસ્પિટલમાંથી નાસી છૂટી છે. જોકે આ મામલે હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
પાદરા તાલુકાની 51 વર્ષની મહિલા ગતા તા.18 મી એ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ હતી.આ મહિલાને શ્વાસની તકલીફ,તાવ અને છાતીમાં દુખાવો થતો હતો.મહિલાનો કોરોના રિપોર્ટ કઢાવવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો.જેની જાણ મહિલા દર્દીને થતા તે હોસ્પિટલમાંથી કોઇને જાણ કર્યા વિના નાસી છૂટી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ સયાજી હોસ્પિટલના સ્ટાફ દ્વારા પાદરા પોલીસને જાણ કરવામાં આવી છે.
રાજ્યમાં ગઈકાલે 247 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર ચિંતાતુર બન્યું છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 124 કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણા જિલ્લામાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. ત્યારે વડોદરા કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ – અલગ વિસ્તારમાં રહેતા કુલ 387 લોકોના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા.જે પૈકી 9 ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
રાજ્યમાં વેક્સિનેશનમાં સતત ઘટાડો
ગુજરાતમાં કોરોનાના આંકડાઓમાં અમદાવાદ સૌથી મોખરે છે. ત્યારે બીજી તરફ મહેસાણા, વડોદરા, સુરત અને ગાંધીનગરમાં કોરોનાના મોટા પ્રમાણમાં કેસ વધવા લાગ્યા છે. તો બીજી તરફ ગુજરાતમાં ગઈકાલે માત્ર 35 લોકોએ કોરોનાનો પ્રિકોશન ડોઝ લીધો છે. 18 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં પ્રથમ ડોઝ 26 અને બીજો ડોઝ 49 લોકોએ લીધો છે. જ્યારે 12થી 14 વર્ષના માત્ર 1 કિશોરે પ્રથમ અને 1 કિશોરે બીજો ડોઝ લીધો છે. રાજ્યમાં 15થી 17 વર્ષના વ્યક્તિઓમાં માત્ર 2 વ્યક્તિએ પ્રથમ ડોઝ અને 10 વ્યક્તિએ બીજો ડોઝ લીધો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
