રાજેશ આંબલિયા/મોરબી: રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારા પાસે બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટ તરફથી આવતી ક્રેટા કાર રોંગ સાઈડમાં ઘુસીને સામેથી આવતી વેગનઆર કાર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં વેગનઆર કાર ચાલકને માથા અને પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, તો ક્રેટા કારના ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
રોંગ સાઈડમાં આવતી ગાડી અથડાઈ
હાઈવે પર થયેલા આ અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તો રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. હાલમાં અકસ્માતની વધુ તપાસ કરવામાં આવી રહી છે. તો સામે આવેલા સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે કાર રોંગ સાઈડમાં બે ટાયર પર આવી રહી છે અને ધડાકાભેર વેગનઆર કાર સાથે અથડાય છે. અકસ્માતમાં વેગનઆરના બોનેટને મોટું નુકસાન થાય છે અને પછી ક્રેટા પર પલટીને પડી જાય છે.
તો આજે ગુરુવારે વહેલી સવાલે લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર પણ અકસ્માત સર્જાયો હતો. ચોરણીયા નજીક કાર ચાલકે અજાણ્યા વાહન પાછળ અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા, તો અન્ય 2 વ્યક્તિઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે 108 દ્વારા લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
