સુરત સાયબર ક્રાઈમની ટીમે બાતમીને આધારે પાડયા દરોડા, મળી આવ્યો રૂપિયાનો ઢગલો

Niket Sanghani

25 May 2023 (अपडेटेड: May 25 2023 11:01 AM)

સંજયસિંહ રાઠોડ, સુરત: સમગ્ર દેશ ડિજિટલ તરફ સતત આગળ વધી રહ્યો છે. આ સાથે દેશભરમાં સાયબર ક્રાઇમ સતત વધી રહ્યા છે. ત્યારે સાયબર ક્રાઇમને લઈ…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ, સુરત: સમગ્ર દેશ ડિજિટલ તરફ સતત આગળ વધી રહ્યો છે. આ સાથે દેશભરમાં સાયબર ક્રાઇમ સતત વધી રહ્યા છે. ત્યારે સાયબર ક્રાઇમને લઈ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુરત સાયબર ક્રાઇમ સેલે બાતમીના આધારે સચિન વિસ્તારમાં વસીમ પટેલના ઘરે દરોડા પાડતા રોકડ 1 કરોડ 41 લાખ મળી આવ્યા છે. પોલીસે આ મામલે આવકવેરા વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો

સુરત સાયબર ક્રાઈમ સેલની ટીમને બાતમી મળી હતી કે શહેરના સચિન વિસ્તારમાં રહેતો વસીમ અકરમ પટેલ નામનો વ્યક્તિ સાયબર ફ્રોડ કરી રહ્યો છે. આ માહિતીના આધારે સુરત સાયબર ક્રાઈમ સેલની ટીમે તેના ઘરે દરોડો પાડ્યો હતો. સુરત સાયબર ક્રાઈમ સેલના આ દરોડામાં વસીમ અકરમ પટેલના ઘરેથી 1 કરોડ 41 લાખ રૂપિયા મળી આવ્યા છે.

પૈસા અંગે માતા-પિતા અજાણ
સુરત સાયબર ક્રાઈમ સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે તેમની ટીમને માહિતી મળી હતી કે સચિન વિસ્તારમાં રહેતો વસીમ અકરમ પટેલ નામનો વ્યક્તિ જે વ્યવસાયે પ્રોપર્ટી ડીલર તરીકે કામ કરે છે તે પણ સાયબર ફ્રોડમાં સંડોવાયેલો છે. આ માહિતીના આધારે તેના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન વસીમ અકરમ પટેલ મળ્યો ન હતો પરંતુ તેના માતા-પિતા મળી આવ્યા હતા. ઘરના કબાટમાં રાખેલા આ રૂપિયા વિશે વસીમ અકરમ પટેલના માતા-પિતાને ખબર ન હતી.

માત્ર બાતમીના આધારે દરોડો પાડ્યો
જ્યારે ACP યુવરાજસિંહ ગોહિલને પૂછવામાં આવ્યું કે શું વસીમ અકરમ પટેલે કોઈની સાથે સાયબર છેતરપિંડી કરી છે? શું કોઈએ તેની વિરુદ્ધ સાયબર ક્રાઈમ સેલ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે? તો તેણે કહ્યું કે હજુ સુધી આવું કંઈ થયું નથી, માત્ર બાતમીદારની માહિતીના આધારે તેના ઘરે દરોડો પાડીને નોટોનો જથ્થો મળી આવ્યો છે. વસીમ અકરમ પટેલ જેના ઘરેથી આ રૂપિયા મળી આવ્યા હતા તે પકડાશે તો જ રૂપિયાની વિગતો બહાર આવશે. હાલમાં તેમણે એક કરોડ એકતાલીસ લાખ રૂપિયાની વસૂલાત અંગે આવકવેરા વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોને માહિતી આપી છે.

    follow whatsapp