Porbandar Rain News: હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના પોરબંદર શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે જળતાંડવની સ્થિતિ જોવા મળી રહી છે. પોરબંદર શહેરમાં 20 ઈંચ વરસાદથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ એકબાજુ જાણે નદી બની ગયા છે, તો લોકોના ઘરોમાં પણ કમર સુધી પાણી ભરાઈ જતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. 26 વર્ષ બાદ પોરબંદર શહેરમાં જળપ્રલય જોવા મળ્યો છે. તો બરડા પથકમાં પણ 10 થી 12 ઇંચ વરસાદ પડતાં વાડી-ખેતરો પાણીથી તરબોળ બન્યા છે.
ADVERTISEMENT

પોરબંદરમાં 26 વર્ષ બાદ જળપ્રલય જેવી સ્થિતિ
પોરબંદર શહેરમાં 20 ઇંચ વરસાદને પગલે એમ.જી રોડ, છાયાચોકી રોડ, સુદામાચોક અને બોખીરા સહિતના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. પોરબંદરના છાયા ચોકી રોડ વિસ્તારમાં અનેક મકાનો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. તો રાજીવનગરમાં તેમજ રોકડીયા હનુમાન પાછળની અનેક સોસાયટીમાં પાણી ઘુસી જતા ઘરવખરીને તેમજ વાહનોને નુકશાન થયું છે. પોરબંદર નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.

ઘેડ પંથકમાં ઓઝત અને મધુવંતિ નદીમાં પૂર
પોરબંદરના બરડા પંથકમાં પણ 10થી 12 ઈંચ જેટલો વરસાદ પડતા વાડી-ખેતરો પાણીમાં ગરક થઈ ગયા હતા. વર્તુ નદી બે કાંઠે વહેતી થઈ હતી. પોરબંદર શહેર અને જિલ્લાના ગામમાંથી કુલ 11 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. રાણાવાવ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઘેડ પંથકમાં પણ ઓઝત અને મધુવન્તિ નદીમાં પુર આવ્યું છે.
ADVERTISEMENT
