મોરબી : દુર્ઘટનામાં 91 લોકોનાં મોત થઇ ચુક્યાં છે. રાહત અને બચાવકાર્ય જેમ જેમ આગળ વધતું જઇ રહ્યું છે તેમ તેમ આ આંકડો સતત વધી રહ્યો છે. આ લખાઇ રહ્યું છે ત્યારે અઢી વાગ્યે પણ હજી મૃતદેહો મળી રહ્યા છે. અહીં મુખ્યમંત્રીથી માંડી તમામ ઉચ્ચ રાજનીતિક હસ્તીઓ અને અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે. સતત રાહત અને બચાવ કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે રાત જેમ જેમ પસાર થતી જાય છે અને બચાવ કાર્ય આગળ વધતું જઇ રહ્યું છે તેમ મોતનો આંકડો વિકરાળ બની રહ્યો છે.
ADVERTISEMENT
મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધીનો અધિકારીક આંકડો 103 પર પહોંચી ચુક્યો છે. જ્યારે બિન અધિકારીક આંકડો અત્યારે 125 હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત હજી પણ રાહત અને બચાવકામગીરી ચાલી રહી છે. ગુજરાત નૌકાદળ દ્વારા હાઇટેક કેમેરા દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
વોટરપ્રુફ કેમેરા દ્વારા કાદવની અંદર કે ક્યાંય મૃતદેહો ફસાયા નથી તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નદીમાંથી પાણી ખાલી કરવાની કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફ પડી ગયેલા પુલને ઉપર ઉઠાવીને તેની નીચે તો કોઇ નથી ફસાયું તે અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે. એરફોર્સ, નેવી, એસડીઆરએફ, એનડીઆરએફ, એસઆરપી, સ્થાનિક પોલીસ તંત્ર, સ્થાનિક તંત્ર સહિતની તમામ તાંત્રિક શાખાઓ કામે લાગી છે. રાહત અને બચાવકામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
ADVERTISEMENT
