અમરેલીમાં ધોધમાર વરસાદ અને કરા પડ્યા, ભરૂચમાં ભારે પવન ફૂંકાયો- Video

Urvish Patel

• 11:25 AM • 06 Mar 2023

અમરેલી/ભરૂચઃ હવામાન વિભાગ દ્વારા 4 અને 5 માર્ચે માવઠાની આગાહી કરવામાં આવી હતી. તો સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 4થી 8 માર્ચ સુધી વરસાદ પડવાની…

gujarattak
follow google news

અમરેલી/ભરૂચઃ હવામાન વિભાગ દ્વારા 4 અને 5 માર્ચે માવઠાની આગાહી કરવામાં આવી હતી. તો સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 4થી 8 માર્ચ સુધી વરસાદ પડવાની આગાહી કરી હતી. આ બંને આગાહીઓને પગલે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ આગાહીઓ પ્રમાણે નવસારી શહેર અને જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું છે. ભર ઉનાળે અહીં પણ વરસાદ શરૂ થયો છે. આ તરફ ભરૂચમાં ભારે પવન ફૂંકાયો છે ત્યાં હવે સતત ત્રીજા દિવસે અમરેલીનું વાતાવરણ વરસાદી રહ્યું છે. અહીં ધોધમાર વરસાદ સાથે કરા પણ પડ્યા છે.

આ પણ વાંચો

અમરેલીમાં કરા પડ્યા-Video
હાલમાં જ પ્રાપ્ત થઈ રહેલી માહિતી પ્રમાણે અમરેલીમાં ધારી ગીર પંથકમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદની બેટિંગ થઈ રહી છે. ધારી ગીરના દલખાણીયા ગામમાં પવન સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો છે. આ તરફ દલખાણીયા, મીઠાપુર, ક્રાંગસા, કૂબડા, સુખપુર, સરસીયા ધારી શહેરમાં વરસાદે ખેડૂતોને ભારે ચિંતામાં મુક્યા છે. ખેતીને નુકસાન થવાનો અંદાજ છે. દલખાણીયા ગામમાં વાવાઝોડા સાથે બરફના કરા પણ પડ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

ભરૂચમાં ભારે પવન ફૂંકાયો- Video
ગુજરાતમાં જ્યાં ઘણા જિલ્લાઓમાં વરસાદ અને ભારે પવન સાથે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યાં ભરૂચનું પણ વાતાવરણ પલટાઈ ગયું છે. અહીં ભરૂચ જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે વાવાઝોડાને કારણે ઘણા વૃક્ષો પણ ધરાશાયી થયાના અહેવાલ મળી રહ્યા છે.

ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં થઈ ચુક્યો છે વરસાદ
હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા હાલમાં જ કરવામાં આવેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં ઘણા ઠેકાંણે વરસાદ પડ્યો છે તો ઘણા જિલ્લાઓ શહેરોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અમરેલી, ડાંગ, ભાવનગર, અરવલ્લી સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ છૂટો છવાયો પડ્યો હતો. આજે સોમવારે નવસારીમાં વરસાદી ઝાપટા પડવાના શરૂ થયા છે. ધોધમાર રીતે પડી રહેલા ઝાપટાને કારણે લોકો પણ દોડીને છત મળે તેવી જગ્યાએ પહોંચવા લાગ્યા હતા. કારણ કે થોડી જ ક્ષણોમાં ભીંજાઈ જવાય તેવો વરસાદ પડ્યો છે. ખાસ કરીને નવસારી શહેરમાં આગાહી મુજબ ક્યાંક ક્યાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઈને હવે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

શું કહે છે અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે પોતાના વરતારા અંગે કહ્યું છે કે, ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે, દક્ષિણ ગુજરાતમાં પણ હવળવું માવઠું થઈ શકે છે, ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્ર તથા કચ્છમાં પણ વાતાવરણ પલટાય, છૂટા છવાયા છાંટા પડી શકે છે. સાથે જ માર્ચમાં 14 અને 15મીએ પણ વાતાવરણ પલટાશે. અવારનવાર માર્ચમાં વાદળો આવ્યા કરે તેમ છે. 23થી 25મી માર્ચે સમુદ્રમાં હલચલ વધી શકે છે. આ ઉપરાંત તેમણે ઉનાળો પણ એપ્રિલ 26મી પછી ગરમી વધશે અને મે મહિનામાં સાગરમાં ચક્રવાતોનું પ્રમાણ વધશે.

MLA નો બફાટ: રખડતા કુતરાઓને અસમ મોકલો, ત્યાંના લોકો કુતરા ખાય છે તેમને ભોજન મળશે

વરસાદ અને ગરમીને લઈને હવામાન વિભાગ શું કહે છે?
હવામાન વિભાગે હાલમાં કરેલી આગાહી પ્રમાણે આગામી 4 અને 5મી માર્ચે કચ્છમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત જુનાગઢમાં ગાજવિજ સાથે પણ વરસાદ પડી શકે છે. દક્ષિણમાં દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આ બલદાયેલા વાતાવરણ પાછળનું કારણ આપતા કહ્યું છે કે રાજસ્થાન પર સર્ક્યૂલેશનની અસરને કારણે આ વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન છે. આ ઉપરાંત હવામાન વિભાગે આ ઉનાળો અત્યંત ગરમ રહેશે તેવી પણ વકી દર્શાવી છે. કેટલાક વિસ્તારોમાં તો રેકોર્ડ્સ તૂટે તેવી ગરમી પણ પડે તેવું માનવામાં આવી રહ્યું છે. લગભગ માર્ચના શરૂઆતના દિવસોમાં જ 40 ડિગ્રી તાપમાન પહોંચી જાય તેવી સંભાવનાઓ છે.

(ઈનપુટઃ દિગ્વિજય પાઠક/હિરેન રાવિયા)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp