જુનાગઢમાં તોફાનો-પથ્થરમારાની ઘટના મામલે હાઈકોર્ટે 5 સગીર આરોપીઓને ખાસ શરતે મુક્ત કર્યા

ભાર્ગવી જોશી/જુનાગઢઃ જુનાગઢમાં મજેવડી દરગાહને ડિમોલિશનની નોટિસ આપ્યા બાદ તોફાન થયું હતું. આ ઘટનામાં મોટી સંખ્યામાં ટોળું પોલીસ પર ધસી આવ્યું હતું અને વાહનોની તોડફોડ…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી/જુનાગઢઃ જુનાગઢમાં મજેવડી દરગાહને ડિમોલિશનની નોટિસ આપ્યા બાદ તોફાન થયું હતું. આ ઘટનામાં મોટી સંખ્યામાં ટોળું પોલીસ પર ધસી આવ્યું હતું અને વાહનોની તોડફોડ તથા આગચંપી કરી હતી. પથ્થરમારાની ઘટનામાં ડીવાયએસપી, પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ઈજાઓ થઈ હતી. જ્યારે એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. આ કેસમાં પોલીસે 70 જેટલા આરોપીઓ પકડ્યા હતા. આરોપીઓમાં 5 સગીર હોવાથી ન્યાયાધીશે તેમને મુક્ત કર્યા છે.

મજેવડી દરગાહના ડિમોલિશનને લઈને મનપાએ નોટિસ આપી હતી. જોકે આ બાદ ટોળું હિંસક બન્યું હતું અને તોડફોડ અને આગચંપી કરી હતી. આ કેસમાં પોલીસે પકડેલા આરોપીઓમાંથી 5 સગીરોને ગુજરાત હાઈકોર્ટે તેમને મુક્ત કર્યા હતા. ન્યાયાધીશ ગીતા ગોપીએ એવી શરતે કિશોરોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો કે, તેમના માતાપિતા ખાતરી આપે કે તેઓ તેમનો અભ્યાસ ચાલુ રાખશે. સાથે જ પ્રોબેશન ઓફિસરને બાળકના વર્તન પર દેખરેખ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે, અને જો જરૂરી હોય તો, ટ્રાયલ પેન્ડન્સી દરમિયાન વર્તનમાં ફેરફાર માટે બાળકને માનસિક સહાય માટે મોકલવામાં આવે.

આ કેસમાં પાંચ કિશોરો સહિત 70થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હત્યા, હત્યાનો પ્રયાસ, તોફાનો અને કાવતરા માટે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. કારણ કે પથ્થરબાજીમાં એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો હતો અને કેટલાક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.

શું બની હતી ઘટના?

જૂનાગઢમાં 16 જૂનના રોજ ડિમોલેશનની નોટિસ આપવાને લઈને અસામાજિક તત્વોએ મજેવડી પોલીસચોકી પર હુમલો કર્યાની ઘટના બની હતી. હુમલામાં DySP, PSI સહિત અન્ય પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ટોળાએ સરકારી ગાડીમાં આગ ચાંપી દીધી હતી. ટોળું એટલું હિંસાત્મક બન્યું હતું કે એસટી બસ પર પથ્થરમારો કર્યો હતો. જેના પગલે બસમાં બેસેલા મુસાફરોને પણ ઈજા થઈ હતી. પોલીસે ટોળાને કાબૂમાં લેવા માટે ટીયરગેસના શેલ છોડવા ઉપરાંત લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી.

    follow whatsapp