દર્શન ઠક્કર.જામનગરઃ જામનગરમાં કેટલીક નાસ્તાની પ્લેટ્સની તસવીરો છેલ્લા કેટલાક સમયથી વાયરલ થઈ રહી છે. જે પ્લેટ્સને કારણે શીખ સમુદાયમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પ્લેટ્સ પર લખાણ છે કે ગુરુગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ જામનગર. આ પ્લેટ્સ પર લોકોને ભોજન આપીને તેને ડસ્ટબીન ભેગી કરી દેવાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર ફરી રહી છે. જેના કારણે શીખ સમુદાય પોતાના આરાધ્યના નામનો આ પ્રકારે ઉપયોગ કરીને તેમનું અપમાન કર્યાની લાગણી અનુભવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
સમાજના યુવાનોએ તપાસ કરી પરંતુ પ્લેટ્સ ન મળી
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જી.જી હોસ્પિટલ તરીકે ઓળખાતી ગુરૂ ગોવિંદસિંગ હોસ્પિટલનું નામ સોશિયલ મીડિયામાં વાયરલ છે ! તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શીખસ માજમાં રોષ અને નારાજગી જોવા મળે છે. કારણ કે, ગુરુ ગોવિંદસિંગ શીખસમાજનાં આરાધ્ય છે અને તેઓનું નામ લખેલી નાસ્તા પ્લેટમાં જામનગરની બજારમાં લોકોને નાસ્તો પિરસવામાં આવી રહ્યો છે! શક્ય છે હોસ્પિટલ સત્તાવાળાઓએ કોઈ કારણસર દર્દીઓ માટેની સેંકડો અથવા હજારો કેસ ફાઈલ પસ્તીમાં આપી દીધી હોય અને આ ફાઈલો કોઈ ધંધાર્થી પાસે પહોંચતા તેણે પસ્તીનું વેલ્યુ એડિશન (મૂલ્યમાં વધારો) વિચારી તેમાંથી નાસ્તાની પ્લેટસ બનાવી નાંખી હોય ! આ પ્રકારની પ્લેટસ શહેરમાં લીમડાલાઈન વિસ્તારમાં જોવા મળી હોવાનું સૂત્રો જણાવે છે. જોકે પછી તપાસ માટે કેટલાક શીખ યુવાનો ત્યાં પહોંચ્યા હતાં પરંતુ પ્લેટસ મળી આવી નથી! ધંધાર્થીને ગંધ આવી ગઈ હોય અને તેણે આ પ્રકારની પ્લેટનો જથ્થો સગેવગે કરી દીધો હોય એવું હાલ લોકો માની રહ્યા છે, પરંતુ શીખ સમાજના આરાધ્યના નામનો આ રીતે ઉપયોગ થતાં, ભારે નારાજગી જોવા મળે છે અને જવાબદારો વિરુદ્ધ પગલાંની માગણી પણ ઉઠી છે.
ADVERTISEMENT
