Rajkot TRP Game Zone Fire Update: રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ અગ્નિકાંડની તપાસ કરવા માટે ગુજરાત સરકારે ત્રણ IAS અધિકારીઓની એક કમિટી બનાવી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ વિભાગીય તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીમાં IAS મનીષા ચંદ્રા, પી. સ્વરૂપ, અને રાજકુમાર બેનીવાલને સામેલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
15 દિવસમાં રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ
આ કમિટી ગેમ ઝોનના પાયાથી લઈને અગ્નિકાંડ સુધી રાજકોટ મહાનગરપાલિકામાં કાર્યરત તમામ અધિકારીઓની જવાબદારી નક્કી કરશે. કમિટી નક્કી કરશે કે કયા અધિકારીએ કામ કર્યું અને કોણે નથી કર્યું. કમિટીએ 15 દિવસમાં ખાતાકીય તપાસનો રિપોર્ટ સુપરત કરવાનો છે. કમિટી 2 જુલાઈ સુધીમાં આ રિપોર્ટ હાઈકોર્ટને સુપરત કરશે, ત્યારબાદ હાઈકોર્ટ 4 જુલાઈએ તેની સુનાવણી કરશે.
SITની તપાસમાં થયો હતો ચોંકાવનારો ખુલાસો
રાજકોટના TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ મામલે SITની તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના સ્પે. પી.પી તુષાર ગોકાણી દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ગેર કાયદે બાંધકામને કાયદેસર કરવા માટેની કોઈ અરજી જ કોર્પોરેશનમાં કરવામાં નહોતી આવી. 25 મેના રોજ અગ્નિકાંડ સર્જાયા બાદ 26 તારીખના રોજ ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા.
ઉભા કરાયા હતા ખોટા દસ્તાવેજો
તેમણે જણાવ્યું હતું કે, દુર્ઘટનાના 1 દિવસ બાદ અશોક સિંહ અને કિરીટ સિંહ જાડેજાના કહ્યા બાદ ખોટા દસ્તાવેજ ઊભા કરવામાં આવ્યા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓરીજનલ રજિસ્ટર્ડનો નાશ કરવામાં આવ્યો હતો. આ માટે જાડેજા બંધુઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. સ્પે.પીપી તુષાર ગોકાણીએ કહ્યું, પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી.સાગઠીયા દ્વારા ખોટી મિનિટસ બુક બનાવવામાં આવી હતી.
25 મેના રોજ સર્જાઈ હતી દુર્ઘટના
નોંધનીય છે કે, રાજકોટમાં 25મી મેના રોજ TRP ગેમ ઝોનમાં આગની દુર્ઘટના ઘટી હતી. જેમાં 27 લોકોના મોત નિપજ્યા હતા. ગેમઝોનમાં મૃતક પ્રકાશ જૈન 60 ટકાનો ભાગીદાર હતો. જ્યારે યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ 15-15 ટકાના ભાગીદાર હતા. યુવરાજસિંહ સોલંકીને 1 લાખનો પગાર પણ મળતો. જ્યારે જગ્યાના માલિક કિરીટસિંહ જાડેજા અને અશોકસિંહ જાડેજા 10-10 ટકાના ભાગમાં હોવાનું સામે આવ્યું હતું.
6 લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ
આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની હતી. પોલીસે આ મામલે આઈ.પી.સી કલમ 304, 308, 337, 338, 114 મુજબ કુલ 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
