જામનગર: એરિયાના ‘દાદા’ બનવા પિતા-પુત્રએ રસ્તે જતા લોકોને ફટકાર્યા, પોલીસનો પણ પગ ભાંગી નાખ્યો

Yogesh Gajjar

16 Mar 2023 (अपडेटेड: Mar 16 2023 8:15 AM)

દર્શન ઠક્કર/જામનગર: વિફરેલા પિતા-પુત્રએ આંતક મચાવ્યો હતો. વિસ્તારમાં દાદાગીરી કરીને ધાક જમાવવા માટે બંનેએ એક વેપારીની દુકાનમાં જઈ તોડફોડ કરી લાકડાના ધોકાથી ફટકાર્યા હતા. તેમજ…

gujarattak
follow google news

દર્શન ઠક્કર/જામનગર: વિફરેલા પિતા-પુત્રએ આંતક મચાવ્યો હતો. વિસ્તારમાં દાદાગીરી કરીને ધાક જમાવવા માટે બંનેએ એક વેપારીની દુકાનમાં જઈ તોડફોડ કરી લાકડાના ધોકાથી ફટકાર્યા હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત એક વિદ્યાર્થી અને એક શ્રમિક યુવાનને પણ માર માર્યો હતો અને તોડફોડ કરી હતી. ત્યારે આ ત્રણ અલગ-અલગ ગુનાઓ સીટી સી.ડિવિઝન પોલીસમાં નોંધાયા હતા. જે બનાવ પછી આરોપીઓને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર પણ પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ કાર ચડાવી દીધી હતી. જેથી એક પોલીસકર્મીનો પગ ભાંગી ગયો હતો.

આ પણ વાંચો

રસ્તે જતા લોકો સાથે દાદાગીરી કરી માર માર્યો
શહેરના ભક્તિનગર વિસ્તારમાં રહેતા હરેશભાઈ વસંતભાઈ ડાંગરિયા રવિ પાર્ક વિસ્તારમાં મજૂરી કામ અર્થે ગયા હતા. દરમિયાન તેને અટકાવીને આરોપી સંજય ભૂતિયા અને તેના પિતા કાના ભૂતિયાએ લાકડાના ધોકા વડે હુમલો કરી દીધો હતો. દરમિયાન તેનો એક મિત્ર કે જે છોડાવવા માટે વચ્ચે પડ્યો હોવાથી તેને પણ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આરોપીઓ આટલે માત્રથી અટક્યા ન હતા અને શહેરના રાધે કૃષ્ણ સોસાયટીમાં રહેતા અને રવિ પાર્ક વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારી મયુરભાઈ નારાણભાઈ નંદાણીયાની દુકાન પર જઈને મફત વસ્તુ માગી દુકાનમાં તોડફોડ કરી હતી અને વેપારીને માર માર્યો હતો.

પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી
આ બાદ બહાર પાર્ક કરેલી કારમાં તોડફોડ કરી. આ ઉપરાંત પાડોશમાં જ રહેતા શિવાંગીબેનની કાર જે ઘરની બહાર પાર્ક કરવામાં આવી હતી, તેમાં પણ તોડફોડ કરીને નુકસાની પહોંચાડવામાં આવ્યું હતું. જે સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જુદી-જુદી ત્રણ ફરિયાદો પિતા-પુત્ર સામે નોંધાવવામાં આવી હતી.

આ પણ વાંચો: દ્વારકામાં ‘દાદા’નું બુલડોઝરનો સપાટો, એક જ દિવસમાં ભૂ-માફિયાઓની 98 મિકલતો તોડી પડાઈ

પોલીસકર્મી પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો
આ બંને આરોપીઓ રવિ પાર્ક વિસ્તારમાં આતંક મચાવી રહ્યા છે, તેવી માહિતી મળતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ જાવેદભાઈ વજગોળ આરોપીઓને પકડવા માટે ગયા હતા. દરમિયાન આરોપી પિતા-પુત્રને પોલીસ સ્ટેશને આવવાનું કહેતા સંજય ભૂતિયા અને તેના પિતા તથા તેનો ભાઈ ભાવેશ ભૂતિયા ઉશ્કેરાયા હતા, અને પોતાની સાથે રહેલી સ્કોર્પિયો કાર પોલીસ કર્મચારી વજગોડ પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેઓ ખસી જતા જીવ તો બચી ગયો પરંતુ તેમના પગ ઉપરથી કારનું વ્હીલ ફરી વળ્યું હતું, અને પગ ભાંગી ગયો હતો. જે બાદ ત્રણેય શખ્સો ભાગી છુટ્યા હતા.

બાપ-દીકરા સામે ગુનો નોંધાયો
ઈજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં લઈ જઈ સારવાર અપાઈ હતી, અને પિતા-પુત્ર સહિતના ત્રણ આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અંગેની કલમ 307, તથા કલમ 332, 353, 294-ખ અને 114 મુજબ ફરિયાદ નોંધાવાઈ છે. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓને પકડી લીધા છે, અને તેઓની સ્કોર્પિયો કાર કબ્જે કરી લીધી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp