રાજ્યના આ જિલ્લાના ખેડૂતો થયા ખુશખુશાલ, ઘઉંની હરાજીમાં મળ્યા ધાર્યા કરતાં વધુ ભાવ

સાબરકાંઠા: રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને ભારે નુકશાન થયું છે. ત્યારે ભારે પવનથી પાક નિષ્ફળ જવાની ભીતિ છે. આ દરમિયાન સાબરકાંઠા જીલ્લાના…

gujarattak
follow google news

સાબરકાંઠા: રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને ભારે નુકશાન થયું છે. ત્યારે ભારે પવનથી પાક નિષ્ફળ જવાની ભીતિ છે. આ દરમિયાન સાબરકાંઠા જીલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હિંમતનગર યાર્ડમાં આજે ઘઉંની જાહેર હરાજીમાં 836 રૂપિયા ભાવ પડતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

હિંમતનગર ખાતે આવેલા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલક આવક થઈ રહી છે. આજે 8 હજાર બોરીથી પણ વધુ ઘઉંની આવક નોંધાઈ છે. ત્યારે સ્મોસમી વરસાદના કમઠાણ વચ્ચે આજે જાહેર હરાજીમાં 836 રૂપિયા ભાવ પડતાં ખેડૂતોને હાલ તો રાહત થઈ છે.

ખેડૂતોમાં ખુશી જોવા મળી

વાવેતરની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જીલ્લામાં ઘઉંનું 86 હજાર કરતાં વધુ હેક્ટરમાં વાવેતર થયું હતું, પરંતુ કમોસમી વરસાદ અને માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.આ વર્ષે કુદરત જાણે ખેડૂતથી નારાજ હોય તેમ બેથી ત્રણ વખત માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડ્યો હતો. ત્યારે માવઠાના પગલે ખેડૂતોને પાકના ભાવ ઓછો મળવાનો ભય હતો. પરંતુ આ વખતે ખુલ્લી હરાજીમાં સરકારના ટેકાના ભાવ કરતાં પણ વધુથી હરાજી શરૂ થઈ છે. 430થી લઈને 836 સુધી ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. ખેડૂતોને આટલા બધા ભાવની આશા ન હતી, પરંતુ અત્યારે સૌથી વધુ ભાવ એટલે કે 836 પ્રતિ મણનો ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

સૌથી વધુ ભાવ હીમતનગરમાં મળી રહ્યા છે
ગુજરાતમાં સૌથી વધુ ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે, તેવું હાલ તો ખેડૂતો માની રહ્યા છે. જેથી આસપાસના જિલ્લાના ખેડૂતો પણ અહીં આવી રહ્યા છે. 430થી લઈને 836 સુધી ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. જો પલળેલા ઘઉં હોય તો તેમાં સરેરાશ 450થી લઈને 500ની આસપાસ ભાવ મળે છે. જે ઘઉં સારા હોય તેના 670થી લઈને 836 સુધી ભાવ મળી રહ્યા છે.

આસપાસના જિલ્લાના ખેડૂતો પણ આવી રહ્યા છે
આજની હરાજીના ભાવ જાણી આસપાસના જિલ્લા અરવલ્લી, મહેસાણા, પંચમહાલ, બનાસકાંઠાના ખેડૂતો વહેલી સવારથી જ આવી પહોંચે છે. આ ઉપરાંત આવતીકાલની હરાજી માટે અત્યારથી જ ખેડૂતો લાઈન લગાવીને ઉભા છે. ખેડૂતોને હવે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ પાસેથી જ આશા બંધાઈ છે.

    follow whatsapp