સાબરકાંઠામાં નકલી GST અધિકારીઓની રેડ, વેપારીને કેસ કરવાની બીક બતાવી 1.50 લાખ પડાવી ગયા

સાબરકાંઠા: સાબરકાંઠાના તલોદમાં બોલિવૂડની કોઈ ફિલ્મ જેવો ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો બન્યો છે. જેમાં GST ઓફિસર બનીને આવેલા પાંચ જેટલા શખ્સોએ વેપારી અને તેના દીકરાને જેલમાં…

gujarattak
follow google news

સાબરકાંઠા: સાબરકાંઠાના તલોદમાં બોલિવૂડની કોઈ ફિલ્મ જેવો ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો બન્યો છે. જેમાં GST ઓફિસર બનીને આવેલા પાંચ જેટલા શખ્સોએ વેપારી અને તેના દીકરાને જેલમાં પુરાવી દેવાની ધમકી આપીને 1.50 લાખ રૂપિયા પડાવ્યા હતા અને બાદમાં ત્યાંથી જતા રહ્યા હતા. જોકે ઘટનાના પાંચ દિવસ બાદ વેપારીને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા તેમણે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ નકલી GST અધિકારીઓ સામે તપાસ હાથ ધરી છે.

હોલસેલ વેપારીની દુકાનમાં નકલી GST અધિકારીઓની રેડ
વિગતો મુજબ, તલોદમાં સિવિલ હોસ્પિટલ પાસે રહેતા કનુભાઈ પ્રજાપતિ ભગવતી ફેશન પેલેસ નામથી દુકાન ચલાવે છે. જેમાં તેઓ હોલસેલમાં ગોળી, બિસ્કીટ, સાબુ, પાઉડર તથા પાન મસાલાનો વેપાર કરે છે. 31મી માર્ચે સાંજના સમયે બે મહિલા સહિત પાંચ શખ્સો ગાંધીનગર સચિવાલય ઓફિસથી આવેલા GST અધિકારી હોવાનું જણાવ્યું હતું. જેમણે કનુભાઈ પાસે GSTવાળા બીલ માગ્યા હતા. બધા બીલ લીધા બાદ તેમણે કનુભાઈ પર કરોડોની GST ચોરી કરતા હોવાનો આક્ષેપ મૂક્યો હતો.

વેપારીને 5 દિવસે છેતરપિંડીની જાણ થઈ
આ બાદ તમામે તેમને દીકરા સામે ફરિયાદ કરીને જેલમાં પૂરવાની વાત કરી હતી. જેથી વેપારી ગભરાઈ ગયા હતા. ત્યારે આ GST અધિકારીઓએ કેસ પતાવવા માટે પૈસાની માગણી કરી હતી. જેથી કનુભાઈએ તેમને 1.50 લાખ રૂપિયા આપ્યા હતા. પૈસા લીધા બાદ તમામ લોકો કાર લઈને ત્યાંથી જતા રહ્યા હતા. કનુભાઈના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી થોડા દિવસ પછી તેઓ ગાંધીનગર GST ઓફિસમાં ગયા હતા. જ્યાં તપાસ કરતા તેમને માલુમ પડ્યું કે તેમની દુકાનમાં આવેલા વ્યક્તિઓ નકલી GST અધિકારીઓ હતા. ત્યારે હવે સમગ્ર મામલે તેમણે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    follow whatsapp