અમદાવાદઃ ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પુર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલ થવાના શરૂ થઇ ગયા હતા. ગુજરાતમાં વિવિધ ચેનલો દ્વારા પોત પોતાના સર્વે પણ જાહેર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત TV9 દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ભાજપની સરકાર બની રહી છે. ગુજરાતમાં ભાજપને 125 થી 130 સીટો મળી રહી છે. તો કોંગ્રેસનો સર્વે 40-50 અને AAP ને03-05 સીટો જ મળી હતી. જ્યારે અન્યને 03-07 સીટો મળી રહી છે. આ સમગ્ર ન્યૂઝ ચેનલ્સના સર્વે જ હોય છે તે નક્કર પરિણામ દર્શાવતા નથી પરંતુ પરિણામનો એક અંદાજ માત્ર હોય છે. તે ચેનલના જ એક સર્વેમાં લોકોએ મોદી ફેક્ટર, ગુજરાત મોડલ, કેજરીવાલની મફતની વાત, મોંઘવારી અને બેરોજગારી પર કેટલા ટકા લોકોએ મતદાન કર્યું છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો
ADVERTISEMENT
કોણ છે લોકોને પસંદ
ટીવી9ના સર્વે પ્રમાણે ગુજરાતની આ ચૂંટણી દરમિયાન મોદી ફેક્ટર પર 45.5 ટકા, ગુજરાત મોડલ પર 19.4 ટકા, કેજરીવાલની મફત યોજના પર 7.2 ટકા અને મોંઘવારી તથા બેરોજગારીના મુદ્દે 27.9 ટકા લોકોએ મતદાન કર્યું છે. મતલબ કે આ વખતે પણ ભાજપના તારણહાર નરેન્દ્ર મોદી બન્યા છે. મોદીના નામ પર ભાજપને મતો મળે છે તે વાત ફરી સાબિત થઈ છે. આ ચૂંટણીમાં ભાજપને 47 ટકા વોટશેર મળી શકે છે, કોંગ્રેસને 35 ટકા, અન્યને 6 ટકા અને આમ આદમી પાર્ટીને 12 ટકા વોટશેર મળવાની શક્યતાઓ આ સર્વેમાં દર્શાવવામાં આવી છે.
ભાજપને મળી શકે છે આટલી બેઠક
એબીપી સી વોટર્સના એક્ઝિટ પોલ મુજબ સમસ્ત ઉત્તર ગુજરાતમાં કુલ બેઠકો 32 છે જેમાંથી 23 બેઠકો ભાજપને મળી રહી છે, કોંગ્રેસને 8 બેઠકો, આમ આદમી પાર્ટીનું તો અહીં ખાતુ પણ ખુલતું નથી જ્યારે અન્યને એક બેઠક મળે તેવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. આમ બધા વચ્ચેની લડાઈમાં ભાજપને અહીંથી અગાઉ કરતાં 9 બેઠકોનો ફાયદો મળી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસને 9 બેઠકોનું નુકસાન થયાનું સામે આવી રહ્યું છે.
ત્રિકોણીય જંગનું કોંગ્રેસને મોટું નુકસાન
એબીપીના એક્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસને પણ ગુજરાતમાં કુલ 37 બેઠકોથી જ સંતોષ માનવો પડે તેમ છે. જ્યાં ગત વિધાનસભામાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી તો તેના માટે પણ આ એક્ઝિટ પોલ નિરાશાના વાદળ સમાન તો માની શકાશે. આમ આદમી પાર્ટી જે સરકાર બનાવવાની વાત કરતી હતી તે 7 બેઠકોમાં સંતોષ માનશે તેવું ચિત્ર આ એક્ઝિટ પોલીસમાં ઉપસી રહ્યું છે. મતલબ કે ત્રિકોણીય જંગની સૌથી વધુ અસર કોંગ્રેસ પર પડી છે. કોંગ્રેસને ગુજરાતમાં 40 જેટલી બેઠકો પર ઝટકો લાગે તેમ છે. તો બીજી તરફ ભાજપનું પણ 150થી વધુ બેઠક જીતવાનું સપનું હાલ પુરતું સ્થગિત થયું હોય તેમ આ એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપ 134 બેઠકો પર સકંજો જમાવી શકે તેમ છે.
પ્રથમ તબક્કામાં ચૂંટણી 89 બેઠકો પર 63.14 ટકા મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયું ત્યારે 89 બેઠકો પર 788 ઉમેદવારો વચ્ચે જંગ હતી. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. આ બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં થયું હતું અને સૌથી ઓછું મતદાન બોટાદમાં થયું હતું. અનુક્રમે 78.24 ટકા અને 57.58 ટકા મતદાર નોંધાયું હતું.
બીજા તબક્કામાં અંદાજીત 59.30 ટકા સરેરાશ મતદાન
બીજા તબક્કામાં જ્યાં અંદાજીત 59.30 ટકાથી વધુ મતદાન નોંધાયું છે ત્યારે આ તબક્કાની 93 બેઠકો પર 833 મતદારોના ભાવી પર ફેંસલો થયો છે. આ તબક્કાનું મતદાન આજે સોમવારે 5 ડિસેમ્બરે યોજાયું હતું. જેના પૂર્ણ થયા પછી હાલના તબક્કે સૌથી ઓછું મતદાન અમદાવાદમાં નોંધાયું છે અને સૌથી વધુ મતદાન સાબરકાંઠામાં નોંધાયું છે. અનુક્રમે અંદાજીત 53.84 ટકા અને 65.85 હોવાનું પ્રારંભીક ધોરણે સામે આવી રહ્યું છે જોકે સત્તાવાર આંકડા સામે આવતા તેમાં મહદ અંશે ફેરફાર જોવા મળી શકે છે.
ADVERTISEMENT
