હસમુખ પટેલ.સાબરકાંઠાઃ છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાતમાં હડકાયા શ્વાનનો આતંક વધી રહ્યું છે ત્યારે આજે સાબરકાંઠાના ઇડરમાં એક સાથે સાત લોકોને બચકા ભરતા તમામને ઈડર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે સ્થાનિક કક્ષાએ છેલ્લા કેટલાક સમયથી કોઈ પગલાં ન લેવાતા પાલિકા સામે પણ લોકોમાં રોષ ઊભો થયો છે.
ADVERTISEMENT
બાળકો અને વયસ્કો બની રહ્યા છે ભોગ
સાબરકાંઠાના ઈડરના કસ્બા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા તેમજ હડકાયા શ્વાનનું વધતું પ્રમાણ હવે સ્થાનિક લોકો માટે ભારે સમસ્યા સ્વરૂપ બની રહ્યું છે. ત્યારે આજે ઈડરના કસ્બા વિસ્તારમાં એક સાથે સાત જેટલા લોકોને હડકાયા શ્વાને બચકા ભરતા તમામને ઈડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં હડકાયા શ્વાને ચાર બાળકો સહિત ત્રણ વયસ્કો ને પોતાનો શિકાર બનાવ્યા છે. પાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરાઈ હોવા છતાં ચોક્કસ કાર્યવાહી ન કરતા હવે ઈડરના શહેરીજનો તેનો ભોગ બની રહ્યા છે.
124 ઊંટ ગુજરાત પોલીસ માટે કેમ છે મહત્વનાઃ રસ્તામાં ચારેય તરફનું પાયલોટિંગ- Video
ઈડરના કસ્બા વિસ્તારમાં આજે હડકાયા શ્વાન એ 10 વર્ષીય નાયક સાબરીનબાનુ, નવ વર્ષીય નાગોરી અમીરાબાનું, દસ વર્ષીય બેલીમ ટેશીન બાનું તેમજ આઠ વર્ષીય શેખ કનીજ બાનુને પોતાના શિકાર બનાવ્યા છે તો બીજી તરફ ચાલીસ વર્ષીય સાજીદ ખાન પઠાણ તેમજ 24 વર્ષીય તેજિત ખાન પઠાણ અને સાહલાદ બા પઠાણને પણ હડકાયા શ્વાનના આતંકનું ભોગ બનવું પડ્યું છે. સામાન્ય રીતે ઈડરના કસ્બા વિસ્તારમાં આજે હડકાયા શ્વાનના પગલે સમગ્ર વિસ્તાર ભયભીત બન્યો હતો. જો કે સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી તમામે કોઈ ચોક્કસ પગલાં લેવાયા નથી. ત્યારે આગામી સમયમાં આ મામલે ચોક્કસ પગલાં નહીં લેવાય તો સ્થાનિક કક્ષાએ લોકોમાં ભારે નારાજગી સહિત જિલ્લા કક્ષાએ રજૂઆત કરાય તો નવાઈ નહીં.
ADVERTISEMENT
