અંબાજીમાં ચિક્કીનો પ્રસાદ ખૂટતા ભક્તોનો હોબાળો, દાતાઓએ નિઃશુલ્ક મોહનથાળના પ્રસાદનું વિતરણ શરૂ કર્યું

Yogesh Gajjar

08 Mar 2023 (अपडेटेड: Mar 8 2023 9:55 AM)

શક્તિસિંહ રાજપૂત/ અંબાજી: અંબાજીમાં આવેલા જગજનની મા અંબાના મંદિરમાં પ્રસાદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં વર્ષોથી ચાલતા મોહનથાળના પ્રસાદને મંદિર ટ્રસ્ટ દ્વારા અચાનક બંધ…

gujarattak
follow google news

શક્તિસિંહ રાજપૂત/ અંબાજી: અંબાજીમાં આવેલા જગજનની મા અંબાના મંદિરમાં પ્રસાદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં વર્ષોથી ચાલતા મોહનથાળના પ્રસાદને મંદિર ટ્રસ્ટ દ્વારા અચાનક બંધ કરી દેવાનો નિર્ણય લેવાતા ભક્તોમાં રોષ છે. છેલ્લા ઘણા દિવસોથી માઈભક્તો દ્વારા મંદિરમાં ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરાઈ રહી છે. એવામાં હવે દાતાઓએ આગળ આવીને મોહનથાળનો પ્રસાદ બનાવી ભક્તોને નિઃશુલ્ક વેચવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ મંદિરમાં ચિક્કીનો પ્રસાદ ખૂટી જતા ભક્તોએ હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો

દાતાઓ દ્વારા રોજના 200 કિલો મોહનથાળનો પ્રસાદ અપાશે
છેલ્લા 6 દિવસથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાયો છે. હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવા છતાં પણ મોહનથાળનો પ્રસાદ શરૂ ન કરાતા હિન્દુ હિતરક્ષક સમિતી દ્વારા આ મામલે ધરણા કરવામાં આવશે. બીજી તરફ દાતાઓ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવી ભક્તોને નિઃશુલ્ક વેચાનો નિર્ણય લેવાયો છે. અંબાજી મંદિરમાં આજે ધુળેટી ના દિવસે ભક્તો વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા. આજે અંબાજી મંદિરમાં વિવિધ દાતાઓ દ્વારા રોજના 200 કિલો મોહનથાળ મંદિર બહાર બનાવીને બપોરે માતાજીને રાજભોગમાં મોહનથાળનો પ્રસાદ ધરાવ્યા બાદ દર્શન કરવા આવેલા તમામ ભક્તોને વિના મૂલ્ય મોહનથાળનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: હોળી રમો તો આવી રમો… CSKના ખેલાડીઓને જમીન પર ઢસડી-ઢસડીને રંગ લગાવ્યો, માહીએ પણ લીધી મજા

મા અંબાને રાજભોગમાં મોહનથાળ ધરાવ્યા બાદ પ્રસાદનું વિતરણ
અંબાજી મંદિરમાં 3 માર્ચ બપોર બાદ મોહનથાળનો પ્રસાદ એકાએક ટ્રસ્ટ તરફથી બંધ કરવામાં આવતા તમામ ભક્તોની લાગણીને ભારે ઠેસ પહોંચી હતી. ત્યારબાદ ગુજરાતના વિવિધ ગામો સુધી લોકોનો રોષ જોવા મળ્યો હતો અને અંબાજી મંદિરમાં પણ વિવિધ ભક્તો ગુસ્સે થયા હતા. તેમની મુખ્ય માંગ હતી કે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી તાત્કાલિક ધોરણે મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવામાં આવે. આજે અંબાજી મંદિરમાં વિવિધ ભક્તો અને ધર્મપ્રેમી જનતા દ્વારા અંબાજી મંદિર બહાર મોહનથાળ બનાવીને બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગના થાળમાં મોહનથાળ ધરાવીને ચાચર ચોકમાં દર્શન કરવા આવેલા તમામ ભક્તોને વિનામૂલ્ય મોહનથાળનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.

અત્યારથી 10 દિવસનું બુકિંગ શરૂ થઈ ગયું
આ તમામ ભક્તોએ જણાવ્યું હતું કે, અમારી પાસે અત્યારે દસ દિવસ સુધીનું બુકિંગ થઈ ગયું છે અને અમે રોજના 200 કિલો મોહનથાળ બનાવીને અંબાજી માતાજીના મંદિરના ગર્ભગૃહમાં માતાજીને ધરાવીને અમે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવેલા તમામ ભક્તોને વિનામૂલ્ય મોહનથાળની પ્રસાદી આપવાના છીએ. અંબાજી મંદિરમાં રાજકોટથી આવેલા વિવિધ ભક્તોએ પણ સુખડીનો પ્રસાદ બનાવીને લાવ્યા હતા અને માતાજીના ધરાવ્યા બાદ તેઓ મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તોને વિના મૂલ્ય પ્રસાદી તરીકે આપતા હતા.

ધૂળેટીએ ભક્તોનું ઘોડાપુર આવતા ચિક્કીનો પ્રસાદ ખૂટ્યો
બીજી તરફ ધૂળેટીના પર્વને લઈને આજે મા અંબાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો મંદિરમાં ઉમટ્યા હતા. ત્યારે પ્રસાદ કાઉન્ટર પર ચિક્કીનો પ્રસાદ પણ ખૂટી પડ્યો હોય તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. જેને લઈને મંદિરમાં લાંબી કતારના દ્રશ્યો સર્જાયા હતા. જોકે કાઉન્ટર પરથી ચિક્કીના પ્રસાદનું પેકેટ પણ ન મળતા લાંબા સમયથી લાઈનમાં ઊભેલા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને રીતસરનો હોબાળો મચાવ્યો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp