અમદાવાદ: એકબાજુ કેરળમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે, બીજી તરફ અરબ સાગરમાં બિપોરજોય વાવાઝોડું સક્રિય થતા ચોમાસું અટકી ગયું છે. ત્યારે ગુજરાતમાં વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા બિપોરજોય વાવાઝોડા વિશે અપડેટ આપવામાં આવ્યું છે. જે મુજબ આગામી 24 કલાકમાં તે તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને આગામી 3 દિવસ તે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે.
ADVERTISEMENT
6 કલાકમાં 2 કિમી પ્રતિ કલાકની ગતિએ આગળ વધ્યું વાવાઝોડું
હવામાન વિભાગ મુજબ, દરિયામાં સર્જાયેલું આ વાવાઝોડું હાલમાં પોરબંદરના દરિયાકાંઠાથી 1070 કિલોમીટર દૂર છે. છેલ્લા 6 કલાકમાં તે 2 કિમી પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે. હાલમાં વાવાઝોડાની દિશા બદલાઈ છે અને તે મસ્કત તરફ આગળ વધી રહ્યું છે, જોકે તેની અસર ગુજરાતના દરિયાકાંઠે પણ આગામી દિવસોમાં થશે. જોકે 11 અને 12મી જૂને વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળશે અને 60 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ પડી શકે છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને દરિયામાં 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
બાંગ્લાદેશ દ્વારા અપાયું છે વાવાઝોડાનું નામ
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાના બિપોરજોય નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું છે. જેનો મતલબ ‘આફત’ થાય છે. વાવાઝોડાના પરિણામે ગુજરાતમાં 8થી 11મી જૂન વચ્ચે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
વાવાઝોડાના કારણે ચોમાસું મોડું પડશે
ઑનોંધનીય છે કે, બિપોરજોય વાવાઝોડાની અસર આગામી 15મી જૂન સુધી રહેશે. એવામાં ચોમાસું મોડું પડી શકે છે. જોકે હવામાન વિભાગ મુજબ ચોમાસું મોડું આવવા છતાં પણ વરસાદમાં આ વર્ષે કોઈ ઘટ નહીં રહે.
ADVERTISEMENT
