Bhavnagar News: ભાવનગરમાં હત્યાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. જેમાં સગા દીકરાએ જ બેટના ફટકા મારીને માતાની કરપીણ હત્યા કરી નાખી. આ બાદ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. 108 મારફતે મહિલાનો લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાતા ત્યાં તેમનું મોત નિપજ્યું હતું. જે બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા દીકરાએ જ હત્યા કરી હોવાનું ખૂલતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
જમવા બાબતે બોલાચાલી થતા માતાને બેટ માર્યું
વિગતો મુજબ, ભાવનગરના તળાજામાં જૂની પોલીસ લાઈન તળાજી નદીના કાંઠે રહેતા રેખાબેન પંડ્યા ટ્રેઝરી ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. મંગળવારે બપોરે મોટો દીકરો મિતેશ પંડ્યા બપોરે જમવા માટે આવ્યો હતો, દરમિયાન જમવા બાબતે બોલાચાલી થતા આવેશમાં આવીને મિતેશે ક્રિકેટ રમવાના બેટ વડે માથા અને શરીર પર ફટકા માર્યા હતા. જેથી રેખાબેનને લોહી નીકળતા તેઓ નીચે ઢળી પડ્યા હતા. આ બાદ મિતેશે નાના ભાઈને ફોન કરીને કહ્યું કે, મમ્મી પડી ગયા છે, તુ જલ્દી ઘરે આવ. આ બાદ 108 એમ્બ્યુલન્સમાં મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અહીં તેમને તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
પોલીસ તપાસમાં ખૂલ્યો દીકરાનો કાંડ
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને મૃતકના પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. દરમિયાન પોલીસ તપાસમાં પુત્રએ જ માતાની હત્યા કરી હોવાનું ખૂલતા નાનાભાઈ નિતેશે તળાજા પોલીસ સ્ટેશનમાં મોટાભાઈ મિતેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
(ઈનપુટ: નીતિન ગોહિલ)
ADVERTISEMENT
