ઓસ્ટ્રોલિયામાં ભણવાનું સપનું જોતા ગુજરાતીઓને મોટો ઝટકો, 2 મોટી યુનિવર્સિટીએ મૂક્યો પ્રતિબંધ

Yogesh Gajjar

• 04:25 AM • 26 May 2023

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ આ સમયે ખૂબ જ ચર્ચામાં છે. પીએમ મોદીએ તેમની મુલાકાત દરમિયાન ભારત-ઓસ્ટ્રેલિયા મિત્રતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો,…

gujarattak
follow google news

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ આ સમયે ખૂબ જ ચર્ચામાં છે. પીએમ મોદીએ તેમની મુલાકાત દરમિયાન ભારત-ઓસ્ટ્રેલિયા મિત્રતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો, જેનો વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે પણ ખૂબ જ ઉત્સાહ સાથે જવાબ આપ્યો હતો. જો કે, આ દરમિયાન એક એવા સમાચાર આવી રહ્યા છે કે, બે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓએ ઓછામાં ઓછા છ ભારતીય રાજ્યોના વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થીઓ નકલી હોવાનું માલુમ પડતાં આ યુનિવર્સિટીઓએ આ પગલું ભર્યું છે.

આ પણ વાંચો

આ છ રાજ્યોના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
વિક્ટોરિયા રાજ્યની ફેડરેશન યુનિવર્સિટી અને ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીએ આ પ્રતિબંધ લગાવ્યો છે. અહેવાલો અનુસાર, શિક્ષણ એજન્ટોને પંજાબ, હરિયાણા, ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા સૂચના આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, દેશના ગૃહ વિભાગ દ્વારા હવે દર ચારમાંથી એક અરજીને ‘છેતરપિંડી’ અથવા ‘બનાવટી’ ગણવામાં આવે છે.

યુનિવર્સિટીઓએ એજન્ટોને શું કહ્યું છે
ફેડરેશન યુનિવર્સિટીએ 19 મેના રોજ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, એવું જોવામાં આવ્યું છે કે ગૃહ વિભાગ દ્વારા અમુક ભારતીય પ્રદેશોમાંથી વિઝા અરજીઓના અસ્વીકાર રેશિયોમાં નોંધપાત્ર વધારો થયો છે. અમને અપેક્ષા હતી કે આ ટૂંકા ગાળાની સમસ્યા હશે, પરંતુ હવે તેના એક ટ્રેન્ડ તરીકે ઉભરી આવવાની વાત સ્પષ્ટ છે.

વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીએ એજન્ટોને લખેલા પત્રમાં પંજાબ, હરિયાણા અને ગુજરાતનો ઉલ્લેખ કર્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટી હવે આ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓની ભરતી નહીં કરી શકે. આ માટે, યુનિવર્સિટીએ વર્ષ 2020માં કોર્સમાં એડમિશન લીધા બાદ ડ્રોપઆઉટ કરી ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની મોટી સંખ્યાનો ઉલ્લેખ કર્યો છે. યુનિવર્સિટીએ 8મી મેના રોજ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, યુનિવર્સિટીએ ભારતમાં આ વિસ્તારોને ઉચ્ચ જોખમી ક્ષેત્રો તરીકે ઓળખ્યા છે. યુનિવર્સિટી મુજબ, લોકો સ્ટુડન્ટ વીઝા લઈને ભણવાની જગ્યાએ નોકરી કરવા માટે ઓસ્ટ્રેલિયા આવી રહ્યા છે.

અન્ય એક અહેવાલમાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાની ઘણી જાણીતી શૈક્ષણિક સંસ્થાઓમાં ભારતીય વિદ્યાર્થીઓને લઈને કડકતાનું વલણ વધ્યું છે. અહેવાલમાં વિક્ટોરિયા યુનિવર્સિટી, એડિથ કોવાન યુનિવર્સિટી, ધ યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગ, ટોરેન્સ યુનિવર્સિટી તેમજ સધર્ન ક્રોસ યુનિવર્સિટી સાથે સંકળાયેલા એજન્ટોને મોકલવામાં આવેલા ઈમેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓની કડક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

ફેબ્રુઆરી-માર્ચમાં પણ વિદ્યાર્થીઓ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા
ફેબ્રુઆરીમાં પણ એડિથ કોવાન યુનિવર્સિટીએ પંજાબ-હરિયાણાના વિદ્યાર્થીઓની અરજીઓ સ્વીકારવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો. માર્ચમાં, વિક્ટોરિયા યુનિવર્સિટીએ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન સહિત આઠ ભારતીય રાજ્યોના વિદ્યાર્થીઓ પર તેના નિયંત્રણો કડક કર્યા હતા.

    follow whatsapp