Ambaji News: શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. આ શક્તિપીઠની વાત કરવામાં આવે તો અહીં દરરોજ મોટી સંખ્યામાં દેશ-વિદેશમાંથી માઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે. છેલ્લા બે મહિનાથી અંબાજીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી છે. 29 જુલાઈની સાંજે અંબાજીની જાહેર બજારમાં બનેલી ઘટનાથી સમગ્ર અંબાજીના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તો પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે હવે વેપારીઓએ આવતીકાલે એટલે કે 31 જુલાઈના રોજ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે અંબાજીના લોકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. અંબાજીની મહિલા દ્વારા પોલીસ મથકે ફોન કરતા પોલીસે જણાવેલ અસામાજિક તત્વો આવે તો ઘરમાં રહો જેને લઇને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો?
ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સગા મોટાભાઈ જીતુભાઈ પટેલની મહાલક્ષ્મી મેડિકલ સ્ટોર પર ગઈકાલે 29 જુલાઈના રોજ અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. તો મેડિકલ સ્ટોરના કર્મચારીને મારમારીને અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. હજુ સુધી પોલીસ દ્વારા એક પણ આરોપીને પકડવામાં આવ્યો નથી. જાહેર બજારમાં પથ્થરમારાની ઘટનાને લઈને અંબાજીના વેપારીઓ માન સરોવર ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પોતાની તકલીફો જણાવી હતી. જેમાં અંબાજી પોલીસની કામગીરી સામે પણ અનેકો સવાલો ઉઠ્યા હતા.
પોલીસ કરી રહી છે આંખ આડા કાનઃ વેપારીઓ
આ મામલે યોગેશ જોષી નામના એક વેપારીએ જણાવ્યું હતું કે, શક્તિપીઠમાં છેલ્લા બે મહિનાથી પોલીસની કામગીરી સદંતર નિષ્ફળ રહી છે. અંબાજી આસપાસના વિસ્તારોમાં રહેતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા અંબાજીમાં મોબાઇલ ચોરીની ઘટનાઓ વધવા પામી છે. વોકિંગ કરવા નીકળતા લોકોને ટાર્ગેટ કરીને માર મારવામાં આવે છે અને મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જાય છે. તાજેતરમા અંબાજી આઠ નંબર વિસ્તારમાં ચોરીની ઘટનાઓ પણ બની હતી અને પોલીસ હજુ સુધી આ ચોરીના આરોપીઓ પકડવામાં પણ નિષ્ફળ રહી હતી. ગુજરાત સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલના સગા મોટાભાઈના મેડિકલ સ્ટોરમા 29 જુલાઈના રોજ સાંજે કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કરીને ચારથી પાંચ જેટલા તત્ત્વો ભાગી ગયા હતા અને પોલીસ દ્વારા હજુ સુધી એક પણ આરોપીની અટક કરવામાં આવી નથી.
31 જુલાઈએ અંબાજી ધામ બંધ રહેશે
તેમણે કહ્યું કે, આજે માન સરોવર ખાતે ભેગા થયેલા લોકોએ જણાવ્યું હતું કે આ તત્વો અંબાજી આસપાસ રહે છે અને બજારોમાં ઓવર સ્પીડમાં બાઈકો ચલાવે છે. ત્રણ સવારીમા બાઇકો ચલાવે છે ગાડીના કાગળો પણ પૂરતા રાખતા નથી. દુકાનોમાંથી વસ્તુ ઝૂંટવીને ભાગી જાય છે. અંબાજી માનસરોવર ખાતે આજે મળેલી મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે 31 જુલાઈના રોજ શક્તિપીઠ અંબાજીના તમામ વેપારીઓ પોલીસની કામગીરી સામે અને અસામાજિક તત્વોના વધતા બનાવોથી સમગ્ર અંબાજી ધામ બંધ રહેશે.
મહિલાઓમાં પણ રોષ
લતાબેન પુરોહિત નામની સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, અંબાજી શક્તિ દ્વાર સામે ઘણા બધા મકાન આવેલા છે અને આ વિસ્તારમાં અસામાજિક અને લુખ્ખા તત્વો અવારનવાર બાઈકો લઈને ફરે છે જેને લઇને સ્થાનિક મહિલા દ્વારા પોલીસને ફોન કરતા પોલીસે જણાવ્યું કે ઘરમાં રહો જેને લઇને મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઈનપુટઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી
ADVERTISEMENT
