વડોદરા: શહેરના સયાજીગંજ વિસ્તારમાં અલંકાર ટાવરમાં આવેલી હોટલમાં અમદાવાદના એક યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. યુવકની લાશ સાથે એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં તે નોકરી છૂટી જવાના કારણે આપઘાત કરતો હોવાનું જણાવે છે. મામલાની જાણ થતા જ યુવકના પિતા વડોદરા ખાતે દોડી આવ્યા હતા. તો બીજી તરફ પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
વિગતો મુજબ, અમદાવાદના નિકોલમાં આવેલી રામનગર સોસાયટીમાં પાર્થ ગઢડિયા નામનો યુવક માર્કેટિંગમાં નોકરી કરતો હતો. તે 31મી મેના રોજ વડોદરા આવ્યો હતો અને સયાજીગંજમાં અલંકાર હોટલમાં રોકાયો હતો. અહીં બે દિવસ સુધી તે રૂમમાંથી બહાર ન આવતા હોટલના સંચાલકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ સાથે સયાજીગંજ પોલીસ પણ ત્યાં દોડી આવી હતી.
હોટલના રૂમનો દરવાજો ખોલીને જોતા યુવકની લાશ મળી આવી હતી, જેને પોલીસે કબ્જે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. હોટલના રૂમમાં યુવકે બે દિવસ પહેલા જ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે રૂમમાંથી મળેલી લાશ ડિ-કંપોઝ થઈ ગઈ હતી, જેના કારણે રૂમમાં તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. પોલીસને હોટલના રૂમમાંથી ઝેરી દવાની બે બોટલ મળી આવી હતી. સાથે જ એક ચિઠ્ઠી મળી હતી, જેમાં નોકરી છૂટી જવાના કારણે આ પ્રકારનું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ હતો.
સમગ્ર ઘટનાને પગલે પોલીસે આપઘાત કરનારા પાર્થના પિતાને જાણ કરી હતી, જે બાદ તેઓ વડોદરા દોડી આવ્યા હતા. જ્યાં તેના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, પાર્થ માર્કેટિંગમાં નોકરી કરતો હતો અને નોકરી છૂટી ગયા બાદ તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. મારો પુત્ર આવું પગલું ભરશે તે સપનામાં પણ વિચાર્યું નહોતું.
ADVERTISEMENT
