અમદાવાદમાં પત્ની-સાસરીયાના ત્રાસથી પતિએ નોકરી પર જ ફાંસો ખાધો, આપઘાત પહેલા વીડિયો બનાવ્યો

Yogesh Gajjar

• 04:58 AM • 01 Apr 2023

અમદાવાદ: શહેરના પત્ની અને સાસરીયાના ત્રાસથી યુવકે આપઘાત કરી લીધાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. યુવકે આપઘાત પહેલા પત્ની અને સાસરીયાના ત્રાસના વીડિયો બનાવ્યા અને…

gujarattak
follow google news

અમદાવાદ: શહેરના પત્ની અને સાસરીયાના ત્રાસથી યુવકે આપઘાત કરી લીધાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. યુવકે આપઘાત પહેલા પત્ની અને સાસરીયાના ત્રાસના વીડિયો બનાવ્યા અને તેને પરિવારના વોટ્સએપ ગ્રુપમાં સેન્ડ કર્યા બાદ નોકરી પર જ પત્નીની સાડીથી ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે સરખેજ પોલીસે પત્ની સહિત 12 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો

નોકરી પર જ યુવકે ફાંસો ખાધો
વિગતો મુજબ, વેજલપુરમાં રહેતા અને સરખેજ ટોરેન્ટ પાવરના સબ સ્ટેશનમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા અક્ષય ચૌધરીએ બુધવારે સવારે સબ સ્ટેશનના પહેલા માળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. આપઘાત કરતા પહેલા અક્ષયે પોતાના ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં કેટલાક વીડિયો પોસ્ટ કર્યા હતા. જેમાં તેણે પત્ની સહિત સાસરીયા લગ્નનો ખર્ચ માગતા હોવાનો તથા ઘર ખર્ચ માગતા હોવાનો આક્ષેપ મૂક્યો છે.

પત્ની અને સાસરીયા પર કર્યા આક્ષેપ
અક્ષય ચૌધરીના લગ્ન શાહપુરની પ્રિયંકા સાથે થયા હતા. આક્ષેપ છે કે પ્રિયંકા અક્ષયને તેના માતા-પિતા સાથે સંબંધ ન રાખવા દબાણ કરતી હતી. તેમજ અક્ષયના સસરાએ પણ લગ્નનો ખર્ચ તેની પાસે માગ્યો હતો અને સાસુ-સસરાનું ભરણપોષણ આપવા તેને દબાણ કરાતું હતું. તેને ધમકી આપવામાં આવતી અને સંતાનનું મોઢું નહી બતાવવામાં આવે તેમ કહીને ધમકાવવામાં આવતો હતો. એક વખતે તેણે સંબંધીને ત્યાં જઈને બધી હકીકત જણાવી બાદમાં તેની માતાએ તેને ઘરે બોલાવીને સમજાવ્યો હતો.

પત્ની સહિત 12 સામે ફરિયાદ
જોકે નોકરી પર ગયા બાદ અક્ષયે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા પુત્રને મરવા માટે દુષ્પ્રેરણા કરનાર સાસરિયા વિરુદ્ધ પિતાએ ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે સરખેજ પોલીસે અક્ષયની પત્ની, સાસુ-સસરા, સાળી સહિત 12 જેટલા લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.

    follow whatsapp