Ahmedabad: ફતેવાડીના મેન્સન ફ્લેટમાં પ્રચંડ આગ લાગતા 41 વાહનો બળીને ખાખ, ફાયરની ટીમે 200 લોકોનું કર્યું રેસ્ક્યૂ

Ahmedabad Fire News: અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં આવેલા મેટ્રો મેન્સન ફ્લેટના બેસમેન્ટમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

ફતેવાડીના મેન્સન ફ્લેટમાં પ્રચંડ આગ

Ahmedabad Fire News

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ફતેવાડી વિસ્તારમાં મક્કા મસ્જિદ પાસે બની આગની ઘટના

point

મેટ્રો મેન્સન નામના ફ્લેટના પાર્કિંગમાં લાગી આગ

point

અસામાજીક તત્વોએ આગ લગાવી હોવાનુ અનુમાન

Ahmedabad Fire News: અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં આવેલા મેટ્રો મેન્સન ફ્લેટના બેસમેન્ટમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની ઘટનામાં બેઝમેન્ટમાં પાર્ક કરેલા 3 રિક્ષા સહિત 41 વાહનો બળીને ખાખ થઈ ગયા છે. તો આ દુર્ઘટનામાં એક મહિલાનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે.  હાલ તો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

મોડી રાતે 3.30 વાગ્યાની આસપાસ લાગી આગ

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા  મેટ્રો મેન્સન ફ્લેટમાં મોડી રાતે 3.30 વાગ્યાની આસપાસ આગ લાગતા રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતા જ રહીશો જાગી ગયા હતા અને ચીસાચીસો કરવા લાગ્યા હતા. આગથી બચવા લોકો ધાબે જતા રહ્યા હતા. 

ફાયરની 9 ટીમો દોડી આવી

આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની 9 જેટલી ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવાની અને સ્થાનિકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન ફાયરની ટીમે 200 જેટલા લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.  

2 કલાક બાદ આગ આવી કાબુમાં

ફાયરના જવાનો ધાબા પર રહેલા સ્થાનિકોને બચાવવા માટે  પહોંચ્યા હતા અને એક બાદ એક લોકોને ઊંચકીને ધાબા પરથી સહી સલામત નીચે લાવ્યા હતા. આ આગ એટલી ભયાનક  હતી કે પાર્કિગમાં રહેલા ટુ-વ્હિલરો અને રિક્ષાઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આશરે 2 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. 


અસામાજીક તત્વોએ આગ લગાવી હોવાનુ અનુમાન

ફ્લેટના રહીશોએ કેટલાક અસમાજિક તત્વોએ આ આગ લગાવી હોવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિકોએ જણાવ્યું કે મોડીરાતે કેટલાક અસમાજિક તત્વો ત્યાં બેઠા હોવાથી તેઓને ભગાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ફ્લેટના રહીશો અને અસમાજિક તત્વો સાથે બોલાચાલી થઈ હતી. જતાં-જતાં તેઓ ધમકી આપીને પણ ગયા હતા. હાલ તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. 

 
ઈનપુટઃ અતુલ તિવારી, અમદાવાદ

    follow whatsapp