Patan News: આજના સમયમાં વિદેશમાં અભ્યાસ કરવાનું ચલણ વધ્યું છે. વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા માટે આકર્ષિત હોવા પાછળ ઘણાં કારણો છે. જેમ કે- વિકસિત દેશોમાં શિક્ષણ પ્રણાલી, રોજગારીની તક, લાઈફસ્ટાઇલ. જોકે, આ કારણોમાં વધુ એક કારણનો ઉમેરો થયો છે, જે છે દેખાદેખી. અન્ય છાત્રોને વિદેશ જતાં જોઈને ઘણા વિદ્યાર્થીઓ પણ વિદેશ જવા માંગે છે. અલબત્ત તેઓ ઉતાવળે નિર્ણય લઈ લે છે અને ઊંડાણથી વિચારતા નથી. તો માતા-પિતાને પણ એવી ઈચ્છા હોય છે કે તેમના સંતાન વિદેશ જઈ અભ્યાસ કરે ને ત્યાં જ સેટ થઈ જાય. ત્યારે વિદેશમાં ભણવા માટે મોકલતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
ADVERTISEMENT
આપઘાત પહેલા માતા-પિતાની માંગી માફી
લંડન અભ્યાસ માટે ગયેલા પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના મીત પ્રવીણભાઈ પટેલ (ઉં.વ 23) નામના યુવકે આપઘાત કરી લેતા પરિવારજનોમાં માતમ છવાયો છે. જોકે, મીત પટેલે આપઘાત કરતા પહેલા બનાવેલા ઓડિયોમાં માતા-પિતાની માફી માંગી હતી. મીત પટેલે કહ્યું હતું કે, મમ્મી-પપ્પા મેં તમારા 15 લાખ બગાડ્યા મને માફ કરજો. ઓડિયોમાં મીતે કોઈના ત્રાસથી આપઘાત કર્યો હોવાની વાત પણ કરી હતી.સાથે જ મીત ઓડિયોમાં એવું પણ બોલી રહ્યો છે કે, હું અહીંયા ફસાઈ ગયો છું, હવે મારી પાસે કોઈ રસ્તો નથી
પાંચ દિવસથી તૂટી ગયો હતો સંપર્ક
મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના વતની પ્રવીણભાઈ જોઈતારામ પટેલ રણાસણ ગામે ખેત મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે. તેમનો પુત્ર મીત અભ્યાસ અર્થે લંડન જવા માંગતો હોવાથી તેઓએ ગત 19/09/2023ના રોજ સ્ટુડન્ટ વિઝા પર મીતને લંડન મોકલ્યો હતો. જ્યાં મીત પરિવારજનો સાથે સંપર્કમાં રહ્યા બાદ છેલ્લા પાંચ દિવસથી પરિવારજનો સાથે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ ગતરોજ મીત પટેલનો મૃતદેહ મળી આવ્યાના સમાચાર પરિવારજનોને મળતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
હત્યા કરાઈ હોવાની પરિવારજનોને શંકા
મૃતક મીતના પિતાએ જણાવ્યું કે, મીતને તા.19/09/2023ના રોજ સ્ટુડન્ટ વિઝા પર લંડન મોકલ્યો હતો. ત્યારબાદ તા.17/11/2023થી તેનો ફોન બંધ આવતો હતો. તેની સાથે શુક્રવારે છેલ્લીવાર વાત થઈ હતી. આપને જણાવી દઈએ કે, લંડનમાં અભ્યાસ અર્થે ગયેલા મીતનું અરહરણ કરીને તેની હત્યા કરાઈ હોવાની પરિવારજનોને શંકા છે. હાલ મીત પટેલના મૃતદેહને રણાસણ લાવવા પરિવારે સરકાર પાસે મદદ માંગી છે.
(વિથ ઇનપુટ વિપિન પ્રજાપતિ)
ADVERTISEMENT
