Surat News: સુરત શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરની ગલીઓમાં રખડતા શ્વાનો વડીલો હોય કે બાળકો કોઈને પણ પોતાનો શિકાર બનાવવામાં ચુકતા નથી. શહેરના ડિંડોલી વિસ્તારમાં 6 વર્ષના બાળક પર રખડતા શ્વાને હુમલો કરતા બાળકને માથામાં 15 ટાંકા આવ્યા છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
ADVERTISEMENT
શ્વાને બાળક પર કર્યો હુમલો
CCTVમાં કેદ થયેલા દ્રશ્યો સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સાંઈ દર્શન એપાર્ટમેન્ટના છે. જેમાં તમે જોઈ શકો છો કે એક શ્વાન ઘરમાં ઘૂસી રહ્યો છે, પરંતુ તેને કંઈ દેખાતું નથી. આ દરમિયાન શ્વાન સોફા પર સૂતેલા બાળકને તેના દાંત વડે જમીન પર ખેંચે છે અને તેના પર હુમલો કરે છે. એકવાર નહીં પણ ઘણી વખત આ શ્વાન બાળકના માથા પર બચકાં ભરે છે. આ દરમિયાન ઘરમાં હાજર એક વ્યક્તિ બાળકના રડવાનો અવાજ સાંભળીને બહાર દોડી આવે છે અને શ્વાનને ત્યાંથી ભગાડી મૂકે છે.

બાળકના માથામાં 15 ટાંકા આવ્યાઃ યોગેશભાઈ
આ અંગે મકાન માલિક યોગેશભાઈએ જણાવ્યું કે, આ ઘટના 29મી સોમવારના રોજ બની હતી. અમારા ઘરે કામ કરતા બહેન કામ પર આવ્યા હતા અને તેમણે તેમના બાળકને સોફા પર સુવાડ્યું હતું. તેમનું 6 વર્ષનું બાળક સોફા પર સૂતું હતું, ત્યારે અચાનક એક શ્વાન આવ્યો અને તેણે બાળકને બચકા ભરી લીધા. બાળકના માથામાં 15 જેટલા ટાંકા આવ્યા છે.

બાળકી પર શ્વાને કર્યો હતો હુમલો
આપને જણાવી દઈએ કે સુરતમાં આ પહેલા પણ અનેકવાર શ્વાને બાળકોને નિશાન બનાવ્યા છે. થોડા દિવસ અગાઉ જ સુરતમાં બાળકી પર બે શ્વાને હુમલો કર્યો છે. અડાજણ સ્થિત ગોરાટ રોડ પર આવેલા સુકુન ટેનામેન્ટમાં રહેતી બાળકી ઘરની બહાર આવી અને શ્વાન તરત દોડીને બચકા ભરી ભાગી ગયા હતા. આ ઘટના CCTVમાં કેદ થઈ હતી.
રિપોર્ટઃ સંજયસિંહ રાઠોડ, સુરત
ADVERTISEMENT
