Patan: કારગિલ યુદ્ધમાં શહીદોના નામે ફંડ ઉઘરાવી 50 લાખ પચાવી પાડ્યા, 24 વર્ષે નોંધાઈ ફરિયાદ

Patan News: કારગીલના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના નામે રૂપિયા ઉઘરાવીને પૈસા ચાઉં કરી જવાનો મામલો સામે આવ્યો છે. જેને લઈને 24 વર્ષ બાદ કોર્ટના આદેશ…

gujarattak
follow google news

Patan News: કારગીલના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના નામે રૂપિયા ઉઘરાવીને પૈસા ચાઉં કરી જવાનો મામલો સામે આવ્યો છે. જેને લઈને 24 વર્ષ બાદ કોર્ટના આદેશ પછી છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના મેડિકલ એસોસિએશનના 7 લોકો સામે તપાસ શરૂ કરી છે.

કારગિલના શહીદો માટે ઉઘરાવ્યા હતા પૈસા

વિગતો મુજબ, 1999માં કારગિલના યુદ્ધ વખતે શહીદ થયેલા ભારતીય સૈનિકો માટે નોર્થ ઝોન ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને લોકો તથા વેપારીઓ પાસેથી પૈસા એકઠા કર્યા હતા. તે સમયે લોકોએ શહીદો માટે છૂટા હાથે દાન કર્યું હતું. પાટણના એક વકીલ પંકજ વેલાણીએ પણ તેમાં 5 હજાર રૂપિયાનો ફાળો આપ્યો હતો. આ ફંડ માટે મહેસાણા કો-ઓપરેટિવ બેંકમાં ખાતું ખોલાવાયું હતું.

ફંડના નાણા સરકારને ન આપ્યા

પાટણના જ વકીલ પંકજ વેલાણી પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ શહીદો માટે એકઠા કરેલા આ નાણાંને ફંડમાં નહીં આપીને સરકાર સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. બેંક એકાઉન્ટ પણ નકલી દસ્તાવેજોના આધારે ખોલાયું છે અને રૂ.50 લાખ રૂપિયા ચાઉં કરી લેવામાં આવ્યા છે.

કેવી રીતે 24 વર્ષે સામે આવી છેતરપિંડી?

હકીકતમાં મેડિકલ એસોસિએશનની એક મિકલતના વેચાણ અંગે વિવાદ થયો હતો. જેને લઈને બેંકના સ્ટેટમેન્ટ રજૂ કરાતા તેમાં કારગિલ યુદ્ધ વખતે એકઠા કરેલા ફંડની કોઈ વિગતો જ નહોતી. એવામાં આ કૌભાંડ સામે આવ્યું અને 2022માં કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ પહેલા 2002ના વર્ષમાં પણ પંકજ વેલાણીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી, જોકે તેમની પાસે દસ્તાવેજી પૂરાવા ન હોવાથી નીચલી કોર્ટે આક્ષેપ ફગાવી દીધા હતા. ત્યારે 24 વર્ષ બાદ ફરી એકવાર શહીદોના નામે પૈસા એકઠા કરીને પચાવી પાડનારા લોકો સામે તેમણે અરજી કરી છે.

    follow whatsapp