શું આ છે સલામત ગુજરાત?, રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ, 12 કલાકમાં 2 યુવકોની સરાજાહેર કરપીણ હત્યા

રાજકોટ જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો શાપર વેરાવળ અને ગોંડલમાં સરાજાહેર 2 યુવકોની નિર્મમ હત્યા પોલીસે હત્યાનો ગુનો નોંધીની શરૂ કરી તપાસ Rajkot Crime News:…

gujarattak
follow google news
  • રાજકોટ જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો
  • શાપર વેરાવળ અને ગોંડલમાં સરાજાહેર 2 યુવકોની નિર્મમ હત્યા
  • પોલીસે હત્યાનો ગુનો નોંધીની શરૂ કરી તપાસ

Rajkot Crime News: રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. લુખ્ખા તત્વો દિવસે-દિવસે વધુ બેખૌફ બનતા જાય છે. લુખ્ખાઓ કાયદો-વ્યવસ્થા ઘોળીને પી ગયા છે. ક્યાંક જાહેરમાં ફાયરિંગ થાય છે, તો ક્યાંક હત્યા થાય છે. લોકો અને તેના જાન-માલ સલામત છે કે કેમ તે મોટો સવાલ. અનેક શહેરી વિસ્તારો છે કે જ્યાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. ઉપર સુધી રજૂઆત છતાં પરિસ્થિતિમાં ખાસ ફેર પડતો નથી. લુખ્ખાઓને કોનું પીઠબળ તે સૌથી મોટો સવાલ છે. આ વચ્ચે રાજકોટ જિલ્લામાં 12 કલાકમાં જ સરાજાહેર 2 હત્યાની ઘટનાએ કાયદો વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.

12 કલાકમાં 2 યુવકોની સરાજાહેર હત્યા

રાજકોટના શાપર વેરાવળમાં 20 વર્ષીય યુવકની અને રાજકોટના ગોંડલમાં 28 વર્ષીય યુવકની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. આ મામલે વિગતવાર વાત કરીએ તો રાજકોટના શાપર વેરાવળમાં ગઈકાલે રાત્રે જયદીપ મકવાણા (ઉં.વ 20)નામના યુવક પર કેટલાક શખ્સો દ્વારા પૈસાની લેતીદેતી મામલે હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન હુમલાખોરો જયદીપને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીની ફરાર થઈ ગયા હતા.

                 મૃતકઃ જયદીપ મકવાણા

પૈસાની લેતી દેતી મામલે યુવક પર હુમલો

આ બનાવને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. જે બાદ જયદીપને લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે એ પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને જયદીપ મકવાણાના મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ શાપર વેરાવળ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગોંડલમાં વહેલી સવારે યુવકની હત્યા

તો બીજા બનાવની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ગોંડલ એસ.ટી ડેપો ચોક ખાતે આજે વહેલી સવારે સાગર મેવાડા (ઉં.વ 28) નામના ભરવાડ યુવક પર કેટલાક હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જે બાદ આ હુમલો હત્યામાં પલટાયો હતો. વહેલી સવારે યુવકની જાહેરમાં હત્યા થતાં શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા થયા એકઠા થયા હતા.

                મૃતકઃ સાગર મેવાડા

બી ડિવિઝન પોલીસે હાથ ધરી તપાસ

જે બાદ મૃતકના મૃતદેહને ગોંડલની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ હત્યાના બનાવને લઈને બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

(ઈનપુટઃ  રોનક મજિઠિયા, રાજકોટ)

    follow whatsapp