Surat News: સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે.નાના બાળકોથી લઈને ઉંમરલાયક લોકો પર શ્વાનના હુમલાની ઘટના સતત વધી રહી છે. ત્યારે આજે ફરી શહેરના વરાછા વિસ્તારમાં બાળકી પર શ્વાનના હુમલાના સમાચાર સામે આવ્યા છે. જેમાં રખડતા શ્વાને 1 વર્ષની બાળકી પર હુમલો કરતા બાળકીને આંખમાં ગંભીર ઈજા થઈ છે. હાલ બાળકી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ADVERTISEMENT
અચાનક શ્વાને કર્યો હતો હુમલો
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના વરાછા વિસ્તારમાં આવેલી બોમ્બે કોલોનીમાં લક્ષ્મી બગદારામ પ્રજાપતિ નામની બાળકી ઘરની બહાર રમી રહી હતી. આ દરમિયાન રખડતા શ્વાને બાળકી પણ અચાનક હુમલો કરી દીધો હતો. જેથી બાળકીના રડવાનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને શ્વાનને ભગાડી દીધું હતું.
પરિવારજનો પહોંચ્યા સિવિલ હોસ્પિટલ
લક્ષ્મીને આંખ અને હાથના ભાંગે ઈજાઓ થતાં પરિવારજનો તેને લઈને સીધા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરોએ બાળકીની તાબડતોબ સારવાર શરૂ કરી દીધી હતી. આંખમાં ગંભીર ઈજા પહોંચી હોવાથી ડોક્ટરે બાળકીના પરિવારજનોને ઓપરેશન કરવા જણાવ્યું હતું. જે બાદ આજે સવારે સિવિલ હોસ્પિટલમાં બાળકીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
પરિવારજનો ખૂબ જ દુઃખી
હાલ ડોક્ટરો બાળકીની આંખને બચાવી લેવા મહેનત કરી રહ્યાં છે. આ ઘટનાને પગલે પરિવારજનો ખૂબ જ દુઃખી છે, તો સ્થાનિક લોકોમાં આ ઘટનાને પગલે વહીવટી તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.લોકો પોતાના ઘરની બહાર બાળકોને મોકલતા પણ ડરી રહ્યા છે, સાથે તેઓ પોતે પણ બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.
30 ઓક્ટોબરે 9 વર્ષના બાળક પર કર્યો હતો હુમલો
આપને જણાવી દઈએ કે ગત 30 ઓક્ટોબરે સુરતની સિદ્ધિ ગણેશ સોસાયટીમાં 9 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કર્યો હતો.બાળકના રડવાનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બાળકને શ્વાનના ચુંગાલમાંથી છોડાવ્યો હતો.જે બાદ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
