Surat Dog Attack: સુરત મહાનગરપાલિકાએ કુતરાઓના ખસીકરણ માટે લાખો કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. છતાં શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યા વધી છે. જેના કારણે કૂતરાઓનો આતંક યથાવત રહ્યો છે. વધુ એક વખત સુરત શહેરના પીપલોદ વિસ્તારમાંથી રખડતા કૂતરાઓના આતંકની ઘટના સામે આવી છે. જેમાં સ્કૂલે જઈ રહેલા 8 વર્ષના બાળકને 10થી 15 કૂતરાના ટોળાએ હુમલો કરીને શરીર પર બચકા ભરી લીધા હતા. હાલમાં બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
શાળાએ જતા બાળક પર કૂતરાનો હુમલો
વિગતો મુજબ, પીપલોદ વિસ્તારમાં આવેલા કુબેરા ગાર્ડન પાસેથી વહેલી સવારે 8 વર્ષનો બાળક શાળાએ જઈ રહ્યો હતો. આ દરમિયાન 10થી 15 જેટલા રખડતા કૂતરાનું ટોળું તેની પાછળ દોડ્યું અને નીચે પાડી દીધો હતો અને બાદમાં શરીરના ભાગે 20થી વધુ બચકા ભરી લીધા હતા. જેના કારણે બાળક લોહી લુહાણ થઈ ગયો હતો. બાળકની બુમાબુમ સાંભળીને ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતા અને તેને બચાવી લીધો હતો અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં બાળકની સારવાર ચાલી રહી છે.
હુમલા બાદ મ્યુનિ.ની ટીમ જાગી
સુરત શહેરના પોશ વિસ્તાર કહેવાતા પીપલોદમાંથી સામે આવેલી કુતરાઓના આતંકની આ ઘટનાને લઈને સુરત મહાનગરપાલિકા જાગી હતી અને ફરિયાદ મળતા એ વિસ્તારમાં રખડતા કૂતરાઓને પકડવા માટે પહોંચી પણ ગઈ હતી. પણ સવાલ એ થાય છે કે જ્યારે આવી ઘટના બને છે ત્યારબાદ જ મહાનગર પાલિકા કેમ જાગે છે? અહીં રખડતા કૂતરાઓને પકડી પકડીને ગાડીમાં ભરીને મહાનગરપાલિકાના કર્મચારીઓ લઈ ગયા હતા.
(સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT
