Surat News: સુરત શહેરના અનેક વિસ્તારોમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. મેટ્રો રેલ પ્રોજેક્ટની આ કામગીરીમાં અનેક જગ્યાએ વિવાદો સામે આવ્યા છે. મેટ્રો રેલનો વધુ એક વિવાદ સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી સામે આવ્યો છે. રાંદેર વિસ્તારમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટના કામ માટે ખોદાયેલા ખાડામાંથી એક યુવાનની લાશ મળી આવી છે. એ યુવાનના ગુમ થવાની ફરિયાદ રાંદેર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
મેટ્રો માટેના ખાડામાં પડી ગયો હતો યુવક
ગંભીર બેદરકારીની વાત એ છે કે યુવક રાત્રે જ મેટ્રોના પિલ્લર માટે ખોદેલા ખાડામાં પડી ગયો હતો. જેને પરિવાર બે દિવસ સુધી શોધતો રહ્યો. જ્યારે મંગળવારે મેટ્રોના પિલ્લર માટે ખોદેલા ખાડામાંથી પાણી ખાલી કરવામાં આવ્યું ત્યારે અંદરથી તેની લાશ મળતા સૌ કોઈ ચોંકી ગયા હતા.
બહેનને મૂકવા ઘરેથી નીકળ્યો હતો
મૃતક યુવાનના ભાઈ હિતેશ કદમ એ જણાવ્યુ હતુ કે, એમનો 37 વર્ષીય ભાઈ ધર્મેશ કદમ રવિવારે રાત્રે એમના ઘરેથી બેનને ઓટોમાં મૂકવા માટે નીકળ્યો હતો. પાછા ઘરે આવતી વખતે એ એમના પિતા માટે ફ્રૂટ લાવવાનો હતો. પરંતુ ધર્મેશ મોડી રાત સુધી ઘરે પાછો ફર્યો ન હતો. હિતેશ કદમે કહ્યું કે, ભાઈની સગા સંબંધી ત્યાં શોધખોળ કરી હતી પરંતુ એમની કોઈ ભાળ મળી ન હતી. 24 કલાક સુધી ધર્મેશ કદમની ઘરે આવવાની રાહ જોયા પછી પરિવાર દ્વારા રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી કરવામાં આવી હતી.
પિલરના ખાડામાંથી મળી ડેડ બોડી
મંગળવારે બપોરે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે, એમના ભાઈની ડેડ બોડી મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલા કામના પિલર માટે જે ખાડા ખોદ્યા હતા, એમાંથી મળી આવી હતી. ખબર મળતા એ લોકો ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોયું તો ખાડામાંથી લાશ મળી આવી હતી. એ ખાડામાં પાણી ભરાયેલું છે.
મેટ્રોના અધિકારીઓની ગંભીર બેદરકારીએ લીધો જીવ!
હિતેશ કદમે જણાવ્યું હતું કે, મેટ્રો રેલના કર્મચારીઓ કહ્યું હતું કે જે ખાડા ખોદાયા છે એમાં ગટરનું પાણી ભરાઈ જાય છે અને દરરોજ પાણી ખાલી કરવામાં આવે છે. હિતેશે કર્મચારીઓને પૂછ્યું હતું કે, રવિવારે રાતથી એમનો ભાઈ એ ખાડામાં પડી ગયેલો છે તો સોમવારે કેમ પાણી ખાલી કરવાની કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. એમના ભાઈની મોતની પાછળ મેટ્રો રેલ પ્રોજેક્ટના અધિકારીઓની બેદરકારી છે. જે જગ્યા ઉપર મેટ્રો રેલવેનું કામ ચાલી રહ્યું છે, ત્યાં કોઈ પણ પ્રકારના બેરિકેડ મારવામાં આવ્યા ન હતા.
(સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT
