સંજયસિંહ રાઠોડ/સુરત: સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં મોડી રાત્રે અમદાવાદના ઈસ્કોન બ્રિજ જેવા અકસ્માતની ઘટના ઘટી હતી. જેમાં પૂરપાટ ઝડપે BRTS રૂટમાં કાર હંકારી રહેલા કાર ચાલકે 3 બાઈક સહિત 6 જેટલા લોકોને અડફેટે લીધા હતા. ઘટનાને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. અકસ્માત બાદ લોકોએ ચાલકને પકડીને માર માર્યો હતો. ચાલક દારૂના નશામાં હોવાનું પણ સામે આવી રહ્યું છે. હાલમાં પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે.
ADVERTISEMENT
અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ
સમગ્ર અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે તથ્ય પટેલની જેમ જ સાજન પટેલ નામનો વ્યક્તિ સ્વિફ્ટ કાર લઈને BRTS ટ્રેકમાં જઈ રહ્યો છે અને સામેથી આવતા બાઈકોને એક બાદ એક અડફેટે લે છે. અકસ્માતમાં 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. અકસ્માત સર્જનાર સાજન પટેલ મૂળ સુરતનો છે અને કાર લે-વેચનો ધંધો કરે છે. સાથે જ પોતે દારૂ પીધો હોવાનો પણ સ્વીકાર કરે છે.
કાર ચાલક યુવકે દારૂ પીધો હતો
અકસ્માતમાં બાઈક પર જતા બે મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં યસ કેવરિયા નામના યુવકને ગંભીર હાલતમાં ICU દાખલ છે, તો કિશન હીરપરા નામના યુવકના હાથ-પગના ભાગે ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ પોતાનો લુલો બચાવ કરતા સાજન પટેલે કહ્યું કે, હું ઘરે જતો હતો અચાનક ટુ-વ્હીલર આવી ગયું અને તેમાં ઠોકાયો. મેં દારૂ પીધો નહોતો. વરસાદ પડતો હતો એટલે દેખાયું નહીં. ટ્રાફિક હતો, રસ્તો બ્લોક હતો એટલે BRTS રૂટમાં જતો રહ્યો. મેં મારા છોકરાની બર્થ-ડે પાર્ટીમાં બપોરે દારૂ પીધો હતો.
ADVERTISEMENT
