ખોડલધામમાં ક્ષત્રિયો-પાટીદારો એક થયા! રાજકોટ સાથે અમરેલીમાં પણ ભાજપનું ટેન્શન વધાર્યું

Gujarat Tak

• 09:33 PM • 02 May 2024

ક્ષત્રિય સમાજનો ધર્મરથ ગુરુવારે સાંજે ખોડલધામ પહોંચ્યો હતો. અહીં ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ધર્મરથનું બેન્ડવાજા અને ઢોલ-નગારા વગાડીને સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ક્ષત્રિય સંકલન સમિતિ સભ્ય પી.ટી જાડેજા તથા અન્ય સભ્યો અને ક્ષત્રિયો હાજર રહ્યા હતા. 

Kshatriya Community

Kshatriya Community

follow google news

Rajkot News: રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદથી શરૂ થયેલો ક્ષત્રિય સમાજનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. રૂપાલાના ટિકિટ રદ ન થતા હવે ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરી રહ્યો છે. આ માટે સમાજ દ્વારા ધર્મરથનું પ્રસ્થાન કરાવાયું હતું. જે વિવિધ વિસ્તારોમાંથી પરથી પસાર થયા બાદ ગુરુવારે સાંજે ખોડલધામ પહોંચ્યો હતો. અહીં ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ધર્મરથનું બેન્ડવાજા અને ઢોલ-નગારા વગાડીને સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ક્ષત્રિય સંકલન સમિતિ સભ્ય પી.ટી જાડેજા તથા અન્ય સભ્યો અને ક્ષત્રિયો હાજર રહ્યા હતા. 

આ પણ વાંચો

અમરેલીમાં ભાજપને થઈ શકે અસર?

નોંધનીય છે કે, ક્ષત્રિય સમાજ ખોડલધામમાં પાટીદારો સાથે આવતા ભાજપને રાજકોટની બેઠક સાથે સાથે અમરેલીની બેઠક પર પણ અસર કરી શકે છે. અમરેલીમાં લેઉઆ પાટીદાર સમાજનું પ્રભુત્વ વધારે છે. ત્યારે પાટીદાર સમાજનો સાથ લઈને ક્ષત્રિયો ભાજપને ગુજરાતમાં અન્ય બેઠકો પર પણ નુકસાન પહોંચાડી શકે છે. 

ખોડલધામ પહોંચી પી.ટી જાડેજા શું બોલ્યા?

આ દરમિયાન પી.ટી જાડેજાએ જણાવ્યું હતું કે, પરસોતમભાઈનો આભાર કે પાટીદાર અને ક્ષત્રિયોને એક કર્યા. ભાજપના કોઈપણ ક્ષત્રિય સમાજના નેતાને ભલે બોલાવે પણ અમને કંઈ ફેર નહીં પડે. માં ખોડલની કૃપા પાટીદાર ઉપર છે અને પાટીદારની શ્રદ્ધા ક્ષત્રિય સાથે છે. પાટીદાર સમાજનો હું પાઘડી ઉતારી આભાર માનું છું. પાટીદારનો 'પ' અને ક્ષત્રિયનો 'ક્ષ' એટલે પક્ષ મળે એટલે કે ક્ષત્રિય અને પાટીદાર મળે તો સતા પરિવર્તન શક્ય છે. ખોડલધામ ટ્રસ્ટીઓએ અમારું સ્વાગત કર્યું એજ સાબિત કરે છે કે પાટીદાર સાથે છે. 

ક્ષત્રિય અસ્મિતા પાર્ટ-થ્રીની જાહેરાત

રાજકોટના રાજવીએ ભાજપના સમર્થન આપવાની વાત પર પી.ટી જાડેજાએ કહ્યું કે, રાજકોટના ઠાકોર સાહેબ ભાજપમાં છે એટલે એમને ટેકો આપે એ રાજકીય છે, અને અમારી સંકલન સમિતિ સામાજિક છે, સમગ્ર સમાજનો રોષ છે. હવે અમારો એક જ મુદ્દો છે બેટી બચાવો પેટી છલકાવો,અને કૉંગ્રેસ પાર્ટીને મત આપો. આવતીકાલે જામનગરમાં રાજકોટ જેવું પ્રદર્શન થશે. સાથે ખોડલધામ અમારી સાથે છે વટથી છાતી ઠોકીને કહી શકીએ તેવો પી. ટી. જાડેજાએ દાવો કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, 7 મેના મતદાન બાદ ક્ષત્રિય અસ્મિતાનો પાર્ટ-થ્રી શરૂ થશે.

જામ સાહેબની PM સાથે મુલાકાત પર શું કહ્યું?

જામનગરમાં જામ સાહેબ સાથે PM મોદીની મુલાકાત પર પી.ટી જાડેજાએ કહ્યું કે, પ્રધાનમંત્રી અને જામસાહેબ વચ્ચેના સંબંધો વર્ષો જૂના છે. જામ સાહેબે આ મુલાકાત બાદ ક્ષત્રિયોને કોઈ અપીલ કરતો મેસેજ નથી કર્યો. મોદી સાહેબ અને જામ સાહેબની મુલાકાતથી સમાજનો રોષ ઓછો નથી થવાનો. મોદી સાહેબના સમાજ અંગેના નિવેદનથી પણ રોષ ઓછો નહિ થાય, આ લડાઈ માત્ર રૂપાલા સામે જ હતી, પણ ટિકિટ પાછી ન ખેંચીને ભાજપ સામે થઈ છે. ક્ષત્રિય સમાજનો આક્રોશ ઠંડો પડશે કે નહીં તે અંગેના સવાલ પર તેમણે કહ્યું કે તે અત્યારે કેમ ખબર પડે? જામસાહેબના આશીર્વાદ એ શ્રદ્ધાનો વિષય છે.

 

    follow whatsapp