Ahmedabad Accident: અમદાવાદના પોશ વિસ્તાર સિંધુભવન રોડ જાણે નબીરાઓ માટે રેસિંગ ટ્રેક બન્યો હોય એમ લાગી રહ્યું છે. સિંધુભવન રોડ પર બે કાર વચ્ચે રેસિંગની લ્હાયમાં અકસ્માત સર્જાયો હતો. વિગતો મુજબ, અકસ્માત સર્જનાર કાર ચાલક દારૂના નશામાં હતો. થોડા સમય પહેલા ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે અકસ્માત સર્જીને 9 લોકોના જીવ લીધા હતા. તથ્ય પટેલ હાલ જેલમાં છે છતાં નબીરાઓ સુધરી રહ્યા નથી અને પોતાના આનંદ માટે અન્ય લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.
ADVERTISEMENT
વ્હીલ નીકળી જવા છતાં 500 મીટર ઢસડાઈ કાર
દિવાળીની રાત્રે અમદાવાદના સિંધુભવન રોડ પર મર્સિડિઝ અને ઓડી કારના ચાલકે રેસિંગ કર્યું હતું. જેમાં બે કારને ટક્કર વાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મર્સિડિઝ કારની સ્પીડ એટલી હતી કે અન્ય કારને ટક્કર માર્યા બાદ તે બેકાબૂ થઈ ગઈ. કારનું એક બાજુનું વ્હીલ નીકળી જવા છતાં તે 500 મીટર સુધી ઢસડાતી રહી હતી.
દારૂના નશામાં હતો કાર ચાલક
સાઉથ બોપલમાં રહેતા ભાવેશ ચોકસી મોડી રાત્રે સિંધુભવન રોડ પરથી પોતાની હ્યુંડાઈ કાર લઈને નીકળ્યા હતા. ત્યારે જ નશાની હાલતમાં પૂરપાટ ઝડપે મર્સિડિઝ કાર હંકારીને આવતા રીશીત પટેલે તેમની કારને ટક્કર મારી હતી. આ મામલે ભાવેશ ચોકસીએ એન ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
