અમદાવાદની રેસ્ટોરાંએ બ્રાહ્મણ પરિવારને નોન-વેજ પીરસ્યું, ગ્રાહકે રૂ.30 લાખનો દાવો માંડ્યો

Ahmedabad News: અમદાવાદના શેલામાં આવેલા ક્લબ ઓ-7માં ક્યુબ લોન્જ રેસ્ટોરાંએ ગંભીર બેદરકારી દાખવીને બ્રાહ્મણ પરિવારને નોન-વેજ ખોરાક પિરસી દીધો. જે બાદ ગ્રાહકે 30 લાખનો દાવો માંડ્યો છે. 

Ahmedabad News

Ahmedabad News

follow google news

Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેતા ગૌરાંગ રાવલે જાણીતા ક્લબ ઓ-7માં આવેલી ક્યુબ લોન્જ સામે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદમાં રૂ.30 લાખ રૂપિયાનો દાવો માંડ્યો છે. હકીકતમાં વ્યાનધમ ગ્રુપ દ્વારા સંચાલિત આ રેસ્ટોરાંએ ગંભીર બેદરકારી દાખવીને બ્રાહ્મણ પરિવારને નોન-વેજ ખોરાક પિરસીને તેમની ધાર્મિક સંવેદના અને સ્વાસ્થ સાથે ક્રૂર મજાક કરી હતી. 

શું હતો સમગ્ર મામલો?

ગત 7મી માર્ચ 2024ના રોજ શેલામાં રહેતા ગૌરાંગ રાવલ તેમના બહેન અને બનેવીને ક્લબ ઓ-7માં આવેલી ક્યુબ લોન્જમાં જમવા લઈ ગયા હતા. જ્યાં તેમણે વેજ મખ્ખનવાલા શાક ઓર્ડર કર્યું હતું, જોકે રેસ્ટોરાંના સ્ટાફ દ્વારા તેમને મુર્ગ મખ્ખનવાલા (નોન-વેજ) ખોરાક પીરસાયો હતો. ગૌરાંગ રાવલ દ્વારા વેઈટરને પૂછવામાં આવ્યું હતું કે, પીરસાયેલી ડીશ વેજ મખ્ખનવાલા છે? ત્યારે વેઈટર દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું હતું કે, જે તેમને પીરસાઈ રહ્યું છે તે વેજિટેરિયન મખ્ખનવાલા જ છે. વેઈટર દ્વારા આશ્વાસન આપ્યા બાદ જયારે જમવાનું શરૂ કર્યું ત્યારે પરિવારને શંકા થતા તેમણે રેસ્ટોરન્ટના શેફને હાજર થવા કહ્યું. રેસ્ટોરન્ટના શેફ દ્વારા જણાવવામાં આવ્યું કે, પરિવારે આરોગેલું ખાવાનું નોનવેજ છે. સંપૂર્ણ શાકાહારી બ્રહ્મ પરિવાર આ ઘટનાથી આઘાત પામ્યો હતો અને તાત્કાલિક ક્ષણે આ બાબત ગૌરાંગ રાવલે મેનેજમેન્ટને જણાવી હતી. પરંતુ મેનેજમેન્ટ આ બાબત ખુબ જ સામાન્ય ગણાવી હતી.  

બહેને નારાજ થઈને ભાઈ સાથે બોલવાનું બંધ કર્યું

આટલું જ નહીં ઘટના બાદથી ગૌરાંગ રાવલથી નારાજ થઈને તેમના બહેન અને બનેવી જતા રહ્યા અને તેમની સાથે બોલવાનું પણ બંધ કરી દીધું. રેસ્ટોરાંની ગંભીર બેદરકારીના કારણે ભાઈ-બહેનના સંબંધમાં તિરાડ પડી ગઈ. 

વેઈટરે લખેલા ઓર્ડરની તસવીર

શંકા જતા વેઈટર પાસે ઓર્ડર બે વખત ચેક કરાવ્યો

Gujarat Tak સાથે વાત કરતા ગૌરાંગ રાવલે જણાવ્યું કે, અમે વેજ વિશે પૂછીને ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર આવ્યા બાદ અમને શંકા જતા વેઈટરને પણ બે વખત બોલાવીને પૂછ્યું હતું. જોકે તેણે વેજ મખ્ખનવાલા જ હોવાનું કહેતા અમે જમવાનું શરૂ કર્યું હતું. પરંતુ અમને શંકા જતા શેફને બોલાવ્યા હતા. શેફે પહેલા જ જણાવ્યું કે તમે નોનવેજ ફૂડ જ ઓર્ડર કર્યું છે, જ્યારે ઓર્ડર લખાવ્યો તે ચીઠ્ઠી ચેક કરાવી તો તેમાં વેજ મખ્ખનવાલા જ લખાવ્યું હતું. 

રેસ્ટોરાંના મેનેજરે કહ્યું- ફ્રી લંચ લેવા આવી જોઓ

તેમણે વધુમાં કહ્યું, 'આ અંગે વાઈસ પ્રેસિડેન્ટને ફોન કર્યો તો તેમણે લખીને માફી મગાવી. મેનેજરને ફોન કરતા તેણે પહેલા તબિયત ખરાબ હોવાનું કહ્યું. બે દિવસ પછી વાત થતા કહ્યું કે, થઈ ગયું તે થઈ ગયું. તમે ફ્રી લંચ લેવા આવી જાઓ.' મેનેજમેન્ટ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી ન લેતા અને કોઈ જ કાર્યવાહી ન કરતા, ધાર્મિક સંવેદનાનું અપમાન કરવા, માનસિક ઉત્પીડન તેમજ તેમના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવા બાદલ ગૌરાંગ રાવલે તેમના વકીલ કુંતલ જોશી મારફતે કાનૂની નોટિસ પાઠવી હતી. 

નોટિસ પાઠવતા રેસ્ટોરાંએ ન આપ્યો જવાબ

નોટિસમાં જણાવાયું હતું કે 15 દિવસમાં રેસ્ટોરાં કાર્યવાહી નહીં કરે તો ગ્રાહક રેસ્ટોરાં સામે કેસ કરશે. સાથે લીગલ નોટિસ મોકલવાનો 25 હજારનો ખર્ચ પણ માંગ્યો હતો. જોકે નોટિસ મળ્યાના 20 દિવસથી વધુ થઈ ગયા હોવા છતાં રેસ્ટોરાં તરફથી કોઈ જવાબ અપાયો નથી. આથી ગ્રાહકે આખરે અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનરમાં રેસ્ટોરાં સામે 30 લાખની માનહાનિનો દાવો કર્યો છે. 

રેસ્ટોરાંમાં વેજ-નોન વેજના બોર્ડ ન હોવાનો આરોપ

ગૌરાંગ રાવલનો આરોપ છે કે, ક્લબ ઓ-7માં ચાલતી આ રેસ્ટોરાંમાં વેજ અને નોન-વેજ બંને ફૂડ મળે છે. જોકે બહાર આ પ્રકાર બંને ફૂડ મળે છે તેનું બોર્ડ પણ લગાવેલું નથી. 

    follow whatsapp