Ahmedabad News: અમદાવાદ અને ગાંધીનગરમાં સ્પા અને હોટલની આડમાં વેશ્યાવૃત્તિના ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આ વચ્ચે તાજેતરમાં હોટલમાં દરોડો પાડવા ગયેલી CID ક્રાઈમની ટીમ પર વિદેશી મહિલાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલાની સમગ્ર ઘટનાનો વીડિયો હવે સામે આવ્યો છે.
ADVERTISEMENT
વિદેશી મહિલાએ હોટલ માથે લીધી
વિગતો મુજબ, અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી શૈલી હોટલ પર દરોડો પાડવા પહોંચેલી CID ક્રાઈમની ટીમને હોટલમાં બે વિદેશી મહિલાઓ સિગારેટ પીતી મળી આવી હતી. જ્યારે પોલીસે તપાસ દરમિયાન બંને વિદેશી મહિલાઓ પાસેથી દસ્તાવેજો માંગ્યા તો મહિલાઓ ગુસ્સે થઈ ગઈ અને રૂમ પણ બંધ કરી દીધો, ત્યારબાદ હંગામાથી શરૂ થઈને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. વિદેશી મહિલા અને સીઆઈડી ક્રાઈમ ટીમના સભ્યો વચ્ચે થયેલો હંગામો અને વિદેશી મહિલાઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો વીડિયો સામે આવ્યો છે.
CID ક્રાઈમના કર્મી પર યુવતીનો હુમલો
વિડીયોમાં દેખાતી બે વિદેશી મહિલાઓમાંથી એક CID ક્રાઈમના સભ્યો પર હુમલો કરી રહી છે. વિદેશી યુવતી પહેલા CID ક્રાઈમના અધિકારી તરફ ઈશારો કરીને પૂછે છે કે, તેણે મને શા માટે થપ્પડ મારી? બાદમાં CID ક્રાઈમની ટીમના સભ્યોને લાતો મારવાનો પ્રયાસ પણ કરતી જોવા મળે છે. આટલેથી ન અટકીને યુવતી ચપ્પલ કાઢીને પણ ફેંકે છે.
CID ક્રાઈમના 35 હોટલ-સ્પામાં દરોડા
વિદેશી મહિલાના વધી રહેલા હંગામાને જોઈને CID ક્રાઈમની ટીમે સ્થાનિક પોલીસની મદદ લેવી પડી હતી. જોકે આખરે 4 કલાકની જહેમત બાદ વિદેશી મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી હતી. વિદેશી મહિલા સામે પોલીસમાં મારામારીની ફરિયાદ નોંધાઈ છે. જણાવી દઈએ કે 30 જુલાઈની રાત્રે CID ક્રાઈમની ટીમે અમદાવાદ અને ગાંધીનગરમાં 35 હોટલો અને સ્પા પર દરોડા પાડ્યા હતા અને વિદેશી મહિલાઓ સહિત 42 લોકોની અટકાયત કરી હતી.
ADVERTISEMENT
