અમદાવાદ: રાજ્યમાં ગુનેગારો બેફામ બન્યા છે. કાયદો અને વ્યવસ્થાનો જાણે કોઈ ડર જ ન હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે વધુ એક ઘટનાએ સવાલો ઊભા કર્યા છે. અમદાવાદમાં ગઇકાલે પોલીસ વાં અને ખાનગી કાર વચ્ચે જાણે ફિલ્મી રેસ જામી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રાજપથ ક્લબ રોડથી એસપી રીંગ રોડ સુધી પોલીસની વાને એક વર્ના કારનો પીછો કર્યો હતો અને વર્ના કાર પોલીસની વાનને ટક્કર મારીને નાસી છૂટી હતી.
અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બેફામ બનેલા કાર ચાલકે હવે પોલીસને પણ નથી મૂકી. ખાનગી વર્ના કાર પોલીસની વાનને ટક્કર મારીને નાસી છૂટી હતી. પોલીસે વર્ના કારને રોકવાની કોશિશ કરતા ચાલકે પોતાની કાર પોલીસ પર ચઢાવી દીધી હતી. આ દરમિયાન રાજપથ ક્લબ રોડથી એસપી રીંગ રોડ સુધી પોલીસની વાને વર્ના કારનો ફિલમીઢબે પીછો કર્યો હતો. ત્યારે આ ઘટનાને લઈ પોલીસ કોન્સ્બેટલ બલભદ્રસિંહે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અવીનાશ સુભાષભાઇ રાજપુત (રહે, સૈજપુર બોઘા) તેમજ ધ્રુવીન જોશી, ક્રૃણાલ, સાગર જોશી, યશ ચાવજા અને અજાણ્ય શખ્સ વિરૂદ્ધ હત્યાની કોશિશ તેમજ સરકારી મિલકતને નુકશાન પહોંચાડવાની ફરિયાદ કરી છે.
જાણો શું છે મામલો
ગઇકાલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એમ.એ.ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ તેમજ પોલીસ કર્મચારી સિરાજભાઇ સહિતની ટીમ પીસીઆર વાનમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે રાજ્યથ ક્લબની પાછળના રોડ પરથી એક ખાનગીવર્ના કાર પુરઝડપે આવી હતી. પોલીસ કર્મચારીઓએ કારને રોકવાનો પ્રયાસ કરતાં બેફામ બનેલા કાર ચાલકે તેમને પણ અડફેટે લીધા હતા. અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થવાની સાથે પીસીઆર વાને વર્ના કારનો પીછો કર્યો હતો. રાજપથ ક્લબથી એસપી રીંગ રોડ સુધી પીસીઆર વાન તેમજ વર્ના કાર વચ્ચે રેસ લાગી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. થોડા સમય બાદ વર્ના કારમાંથી એક યુવક ઉતરી ગયો હતો. જેને પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે કાર ચાલક સહિત અન્ય લોકો નાસી છૂટયા હતા.
આ પણ વાંચો: એક સેલ્ફી થઈ જાય… NAMO સ્ટેડિયમમાં મેચ જોતા ઓસ્ટ્રેલિયન PMએ PM મોદી સાથે સેલ્ફી ખેંચી
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ફિલ્મી દ્રશ્યો સર્જાયા બાદ કારમાંથી ઉતરેલા યુવક અવીનાશ રાજપુત બોડકદેવ પોલીસે ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પર કાર ચડાવી દેવાના પ્રયાસમાં અવિનાશ, ધ્રુવીન જોશી, ક્રૃણાલ, સાગર જોશી, યશ ચાવજા અને અજાણ્ય શખ્સ બેઠા હતા. કાર ક્રૃણાલ ચલાવતો હોવાનું અવિનાશની પૂછપરછમાં સામે આવ્યુ છે. બોડકદેવ પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે, નાસી ગયેલા આરોપીઓને પકડવા માટે બે અલગ-અલગ ટીમો બનાવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…