મહીસાગર BJPમાં આંતરિક ડખો! ચાલુ અને પૂર્વ MLAનો જૂથવાદ સામે આવતા છેક કમલમમાંથી ઓર્ડર છૂટ્યો

વિરેન જોશી/મહીસાગર: મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા દ્વારા બાલાસિનોર તાલુકાના પ્રમુખ તેમજ બાલાસિનોર નગરના પ્રમુખને સામાજીક અને વ્યાવસાયિક કારણોસર ભાજપ દ્વારા યોજવામાં આવતી બેઠકોમાં…

વિરેન જોશી/મહીસાગર: મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા દ્વારા બાલાસિનોર તાલુકાના પ્રમુખ તેમજ બાલાસિનોર નગરના પ્રમુખને સામાજીક અને વ્યાવસાયિક કારણોસર ભાજપ દ્વારા યોજવામાં આવતી બેઠકોમાં નિયમિત ઉપસ્થિત ન રહી શકતા હોવાનું કારણ દર્શાવી તેઓના સ્થાને નવા પ્રમુખની નિમણુંક કરવામાં આવી હતી. તેનો લેટર પણ મહીસાગર જિલ્લા પ્રમુખ દ્વારા 5 માર્ચના રોજ લખી કાયદેસર નવા બાલાસિનોર તાલુકા પ્રમુખ તેમજ બાલાસિનોર શહેર પ્રમુખની નિમણુંક કરી દેવામાં આવી હતી. ત્યારે અચાનક એવું તો શું થયું કે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવેલ નવી નિમણુંક સ્થગિત કરી જે જુના પ્રમુખ હતા તેમનેજ કાર્યરત રાખવામાં આવ્યા અને અભિનંદન આપતા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા? બાલાસિનોરનું રાજકારણ મહીસાગર જિલ્લા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે અને જિલ્લા ભાજપ પક્ષમાં જૂથવાદ ચાલે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

જિલ્લા પ્રમુખે બે તાલુકા પ્રમુખને હટાવી નાખ્યા
જિલ્લાના બાલાસિનોરમાં ભાજપ સંગઠનમાં તાલુકા પ્રમુખ તરીકે વિનોદ ઝાલા કાર્યરત હતા. જ્યારે બાલાસિનોર શહેર પ્રમુખ તરીકે સુભાષ પટેલ કાર્યરત હતા. પરંતુ મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથ બારીયા દ્વારા 5 માર્ચના રોજ આ બંને પ્રમુખ સામાજીક અને વ્યાવસાયિક કારણોસર ભાજપ દ્વારા યોજવામાં આવતી બેઠકોમાં નિયમિત ઉપસ્થિત રહેતા નથી. તેવું કારણ દર્શાવી બાલાસિનોર તાલુકા પ્રમુખ તરીકે કાર્યરત એવા વિનોદ ઝાલાની જગ્યા પર ભાજપના પૂર્વ મંડલ ઉપપ્રમુખ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય, પૂર્વ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન તેમજ બાલાસિનોર વિધાનસભાના સંયોજક એવા ચંદ્રસિંહ રામસિંહ પરમારને નિમણુંક આપી હતી. તેમજ બાલાસિનોર શહેર પ્રમુખ તરીકે કાર્યરત એવા સુભાષ પટેલની જગ્યા પર બાલાસિનોરના પૂર્વ યુવા મોરચા પ્રમુખ, પૂર્વ સંગઠન પ્રમુખ પરિવાર પૃષ્ઠભૂમિ એવાં મનોજ રાવજી પટેલને બાલાસિનોર શહેર પ્રમુખની નિમણુંક જિલ્લા પ્રમુખ દશરથ બારીયા દ્વારા લેટર લખી કરી દેવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર નવા પ્રમુખોને શુભમનાઓ પાઠવી દેવાઈ
ત્યારબાદ સોશ્યલ મીડિયામાં નવા પ્રમુખોને અભિનંદન આપતા ફોટા પણ વાયરલ થયા હતા. પરંતુ આ નવી નિમણૂંક તાત્કાલિક અસરથી સ્થગિત રાખવાનો આદેશ પ્રદેશમાંથી કરવામાં આવ્યો છે. તેવી સોશ્યલ મીડિયામાં ચર્ચાઓ વાયરલ થઈ રહી છે અને જે જુના પ્રમુખ હતા તેજ ચાલુ રાખવા આદેશ પ્રદેશમાંથી કરવામાં આવ્યો છે. અને તે પ્રકારની ચર્ચાઓએ સોશ્યલ મીડિયા તેમજ જિલ્લા ભાજપ સગઠનમાં મુદ્દો બની ગઈ છે. ત્યારે જિલ્લા ભાજપમાં બધું સારું ચાલતું નથી અને અંદરો અંદર પોતાને વફાદાર રહે તેવા કાર્યકરો સંગઠનમાં હોદ્દાઓ પર ગોઠવણ કરવામાં આવે છે તેવી ચર્ચાઓએ જોર શોરથી થઈ રહી છે.

જૂના પ્રમુખો પણ ફરી કાર્યરત કરાતા તેમને પણ શુભકામનાઓ
તેમજ બાલાસિનોરના તાલુકા તેમજ શહેરના જુના પ્રમુખો કાર્યરત રહેતાં બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશ (પપ્પુ) પાઠકનો ફોટો મૂકી બાલાસિનોરના યુવા મોરચાના પ્રમુખ મયંક રાણા દ્વારા સોશ્યલ મીડિયામાં અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં સંગઠનને લઈને બાલાસિનોરમાં પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યના બે જૂથ વચ્ચે જૂથવાદ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે અને નવા પ્રમુખોને પ્રમુખ બનવા બદલ જ્યારે જુના પ્રમુખો પુનઃ કાર્યરત રહેવા બદલ સોશ્યલ મીડિયા મારફતે અભિનંદન વર્ષા થઈ રહી છે.

જિલ્લા પ્રમુખે શું જણાવ્યું?
આ સમગ્ર બાબતે મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથ બારીયાએ ગુજરાત તક સાથે ટેલીફોનિક વાત કરતા જણાવ્યું હતું કે હાલ પૂરતા જુના પ્રમુખ જે હતા તેઓને કાર્યરત રાખવામાં આવ્યા છે અને જે નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી તે વિશે આગામી દિવસોમાં ચર્ચા કરવામાં આવશે. ત્યારે હવે જોવું રહ્યું કે મહીસાગર જિલ્લા પ્રમુખ દ્વારા બાલાસિનોર તાલુકા અને શહેરના જુના પ્રમુખોને દૂર કરી નવા પ્રમુખોની વરણી કરી હતી. પ્રદેશ ભાજપ દ્વારા હાલ પુરતા જુના પ્રમુખ કાર્યરત રાખવા જણાવ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં મહીસાગર જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદમાં કોનો વિજય થાય છે તે જોવું રહ્યું.