અમદાવાદ: મોરબીમાં ઝુલતા બ્રિજની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 135 લોકોને વળતર સહિતના મામલે હાઈકોર્ટમાં સુઓમોટો કરવામાં આવી હતી. જેની સુનાવણી ચાલી રહી છે. હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે આ અંગે સોગંદનામું કર્યું હતું અને જૂના બ્રિજની મરામત માટેની યુનિફોર્મ પોલિસી રજૂ કરી હતી. જે મુજબ રાજ્યના તમામ નાના-મોટા બ્રિજની બે વખત ચકાસણી કરવામાં આવશે તથા રિપેરિંગ માટેને રેકોર્ડ રજિસ્ટર પણ અલગથી કરાશે.
બ્રિજનું વર્ષમાં બે વખત ચકાસણી થશે
સરકાર દ્વારા રજૂ કરાયેલા સોગંદનામામાં બ્રિજના નિરીક્ષણ માટે 15 મુદ્દાની ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે, બ્રિજના ફાઉન્ડેશન, સ્ટ્રક્ચર, પિલરની મરામત અંગે તપાસ કરાશે. ચોમાસા પહેલા મે અને ઓક્ટોબર મહિનામાં નિરીક્ષણ કરીને રિપોર્ટ રજૂ કરાશે. જેની જવાબદારી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની રહેશે. અધિકારી બ્રિજ, સ્ટ્રક્ચર, પિલર, આરસીસી સ્લેબ, ઢોળાવ તથા બંને તરફતની રેલિંગની તપાસ કરશે. દરમિયાન પુલ પર પાણીના નિકાલની વ્યવસ્થાનો રિપોર્ટ આપવાનો રહેશે.
ભૂકંપ-ટ્રાફિકની સ્થિતિએ બેરિંગની પણ તપાસ થશે
આ ઉપરાંત બ્રિજમાં કયા પ્રકારના બેરિંગ વાપરાયા છે, ભૂંકપ, ભારે ટ્રાફિક દરમિયાન બેરીંગના ટકાઉપણાનું નિરીક્ષણ કરાશે અને તેનું તાપમાન કેટલું રહે છે તેની પણ તપાસ કરાશે. આટલું જ નહીં બ્રિજનું રીપેરિંગ કરાય ત્યારે તેમાં વપરાતા કેમિકલની તપાસનો રિપોર્ટ પણ રજૂ કરવાનો રહેશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…