'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી 

18 Aug 2024

વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન ઘણા મહિનાઓથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે, ઈશાને ભારત માટે તેની છેલ્લી મેચ ગયા વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.

જે બાદ ઈશાન કિશન માનસિક થાકને કારણે સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી ખસી ગયો હતો. ત્યારબાદ તેણે ઘરેલુ ક્રિકેટથી પણ દૂરી લીધી.

હવે ઈશાને ઘરેલુ ક્રિકેટમાં શાનદાર વાપસી કરી છે, ઘરેલુ ટૂર્નામેન્ટમાં ઇશાનની કેપ્ટનશીપમાં ઝારખંડને મધ્યપ્રદેશ સામે 2 વિકેટથી યાદગાર જીત અપાવી હતી.

એક સમયે ઝારખંડને જીતવા માટે 12 રનની જરૂર હતી અને માત્ર બે વિકેટ બાકી હતી. આવી સ્થિતિમાં ઈશાને સ્પિનર ​​આકાશ રાજાવતની ઓવરના બીજા અને ચોથા બોલ પર સિક્સર ફટકારીને ઝારખંડને જીત અપાવી હતી.

ઈશાને 58 બોલનો સામનો કરીને અણનમ 41 રન બનાવ્યા, જેમાં બે સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે. ઈશાને પ્રથમ દાવમાં શાનદાર સદી (114 રન, 10 છગ્ગા અને 5 ચોગ્ગા) ફટકારી હતી.

તિરુનેલવેલીમાં રમાયેલી આ મેચમાં મધ્યપ્રદેશે પ્રથમ દાવમાં 225 રન બનાવ્યા હતા. જવાબમાં ઝારખંડે પ્રથમ દાવમાં 289 રન બનાવ્યા હતા. આ પછી મધ્યપ્રદેશનો બીજો દાવ 238 રનમાં સમેટાઈ ગયો હતો, જેના કારણે ઝારખંડને 175 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

ઈશાન પ્રારંભિક ટીમનો ભાગ નહોતો, પરંતુ તેણે આ ટૂર્નામેન્ટમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારબાદ તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

ઈશાન કિશનની રેડ બોલ ક્રિકેટમાં વાપસી એવા સમયે થઈ છે જ્યારે ભારત આગામી પાંચ મહિનામાં 10 ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યું છે.

ઈશાન ભારત માટે અત્યાર સુધીમાં 2 ટેસ્ટ, 27 ODI અને 33 T20 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન ઈશાને ટેસ્ટમાં 78 રન, વનડેમાં 933 રન અને ટી20માં 796 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે કુલ 36 શિકાર બનાવ્યા.