જૂનાગઢમાં માનવભક્ષી દીપડાની રંજાડ: બે બાળકીનો જીવ લીધા બાદ આજે વધુ એક માસુમ પર હુમલો, સ્થાનિકોમાં ફફડાટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Junagadh News: જૂનાગઢમાં દીપડાનો આતંક વધી ગયો છે. જૂનાગઢમાં આજે ફરી દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. જેને લઈને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.આ આદમખોર દીપડાને તાત્કાલિક પકડી લેવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે, જૂનાગઢમાં આઠ દિવસમાં દીપડાના હુમલાની આ ત્રીજી ઘટના છે.

આસીર પર દીપડાએ કર્યો હુમલો

મળતી માહિતી અનુસાર, જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતા શાહિદભાઈ ઉમરભાઈ સિડાના 2 વર્ષીય દીકરા આસીર પર દીપડાએ હુમલો કર્યો હતો. 2 વર્ષીય આસીર ઘરના ફળીયામાં રમી રહ્યો હતો, ત્યારે અચાનક ત્યાં દીપડો આવી પહોંચ્યો હતો અને તેણે આસીર પર હુમલો કર્યો હતો. જોકે, માતાએ પોતાના વ્હાલસોયા દીકરાનો જીવ બચાવ્યો હતો.

સ્થાનિકોમાં ફફડાટ

દીપડાએ હુમલો કરતા આસીરને માથાના ભાગે ઈજા પહોંચી હતી, જેથી પરિવારજનો તેને લઈને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ આસીરને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ આસીર શાહિદ સિડાની રાજકોટની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આઠ દિવસમાં સતત ત્રીજી વખત દીપડાના હુમલાની ઘટના બનતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.

ADVERTISEMENT

વન વિભાગ થયું દોડતું

તો બીજી બાજુ વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. વનવિભાગ દ્વારા પાંજરાઓ મૂકવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે ત્રણ દિવસ અગાઉ પણ જૂનાગઢમાંથી દીપડાના હુમલાની ઘટના સામે આવી હતી.

5 વર્ષીય બાળકી પર કર્યો હતો હુમલો

જૂનાગઢના ભેસાણના ખાખરા હડમતીયા ગામે વાડી વિસ્તારમાંથી માતા-પિતા પોતાની 5 વર્ષીય બાળકી સાથે ઘરે પરત જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક દીપડો આવી ગયો હતો અને 5 વર્ષની બાળકીને ઉઠાવી ગયો હતો. માતા-પિતા દ્વારા ચીસાચીસો પાડવામાં આવતા આજુબાજુની વાડીમાંથી પણ લોકો દોડી આવ્યા હતા. તો આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જે બાદ તપાસ કરવામાં આવતા બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. પોતાની વ્હાલસોયી દીકરીને મૃત હાલતમાં જોઈને માતા-પિતા ભાંગી પડ્યા હતા.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

લીલી પરિક્રમા કરવા આવેલી બાળકી પર હુમલો

 

આ પહેલા પણ દીપડાએ જૂનાગઢમાં એક બાળકીનો જીવ લીધો હતો. રાજુલા ખાતે રહેતી 11 વર્ષીય બાળકી પરિવાર સાથે લીલી પરિક્રમા કરવા માટે આવી હતી. આ દરમિયાન વહેલી સવારે પરિક્રમાના રુટ પરના બાવર કાટ વિસ્તારમાં એક આદમખોર દીપડો ચઢી આવ્યો હતો અને દીપડાએ આ બાળકી પર હુમલો કર્યો હતો. આદમખોર દીપડો બાળકીને ઉઠાવી 50 મીટર અંદર જંગલમાં ઢસેડીને લઈ ગયો હતો. આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જંગલમાં તપાસ કરતા બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

(વિથ ઇનપુટઃ ભાર્ગવી જોશી)

    follow whatsapp

    ADVERTISEMENT