લગ્નમાં ગિફ્ટમાં મળેલી મ્યુઝિક સિસ્ટમ ચાલું કરતા જ ભયાનક બ્લાસ્ટ થયો, વરરાજા અને તેના ભાઈનું મોત
કબીરધામ: છત્તીસગઢના કબીરધામ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્નની ભેટ તરીકે મળેલી મ્યુઝિક સિસ્ટમમાં વિસ્ફોટ થતાં વરરાજા અને તેના મોટા ભાઈનું મોત થયું…
ADVERTISEMENT
કબીરધામ: છત્તીસગઢના કબીરધામ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્નની ભેટ તરીકે મળેલી મ્યુઝિક સિસ્ટમમાં વિસ્ફોટ થતાં વરરાજા અને તેના મોટા ભાઈનું મોત થયું છે. યુવકના લગ્ન ત્રણ દિવસ પહેલા જ થયા હતા. હોમ થિયેટરમાં થયેલા વિસ્ફોટમાં ચાર લોકો ઘાયલ પણ થયા હતા. પોલીસે મંગળવારે આ અંગે માહિતી આપી હતી.
મ્યુઝિક સિસ્ટમમાં બ્લાસ્ટથી આખો રૂમ ધરાશાયી
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારે રેંગાખર પોલીસ સ્ટેશન વિસ્તારના ચમારી ગામમાં બની હતી. મ્યુઝિક સિસ્ટમમાં વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે જણાવ્યું છે કે વિસ્ફોટના કારણે જે રૂમમાં મ્યુઝિક સિસ્ટમ રાખવામાં આવી હતી તેની દિવાલો અને છત ધરાશાયી થઈ ગઈ છે. રેંગખાર છત્તીસગઢ-મધ્યપ્રદેશ સરહદ પર નક્સલ પ્રભાવિત વિસ્તારમાં આવે છે. પ્રાથમિક માહિતી મુજબ હેમેન્દ્ર મારવીના લગ્ન 1 એપ્રિલે જ થયા હતા.
વરરાજા અને તેના ભાઈનું મોત
કબિરધામના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ મનીષા ઠાકુરે જણાવ્યું હતું કે, સોમવારે વરરાજા અને પરિવારના અન્ય સભ્યો ત્યાં હતા. ઘરે લગ્નની ભેટો ખોલી રહ્યા હતા. મ્યુઝિક સિસ્ટમ જેવી લાઈટના બોર્ડ સાથે જોડી એટલામાં જ તેમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં વરરાજાના ભાઈ રાજકુમાર અને દોઢ વર્ષના છોકરા સહિત અન્ય ચાર લોકો પણ ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને કવર્ધા જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં વરરાજાના ભાઈનું અહીં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ADVERTISEMENT
મામલાની તપાસમાં જોડાઈ પોલીસ
કેસની તપાસમાં જોડાયેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અન્ય ઘાયલ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બ્લાસ્ટની જાણ થતાં જ ફોરેન્સિક એક્સપર્ટ સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમણે કહ્યું કે વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રેંગખાર પોલીસ સ્ટેશનના એસએચઓ દુર્ગેશ રાવતેએ જણાવ્યું હતું કે રૂમની તપાસ દરમિયાન કોઈ જ્વલનશીલ સામગ્રી મળી નથી. તેણે કહ્યું કે રૂમમાં મ્યુઝિક સિસ્ટમ જ એક એવું ઉપકરણ હતું જેમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT