India vs Australia: વર્લ્ડ કપ 2023માં ભારતને ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો. આ વચ્ચે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવના ‘આમંત્રણ ન મળવા’ના દાવાને લઈને રાજકીય નિવેદનબાજી શરૂ થતી જોવા મળી રહી છે. કપિલ દેવને ફાઈનલ મેચમાં ન બોલાવવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. તેમજ આ નિર્ણયને ‘તુચ્છ’ ગણાવ્યો છે.
જયરામ રમેશે વ્યક્ત કરી નારાજગી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે થોડા સમય પહેલા જ મહિલા પહેલવાનોના વિરોધ પ્રદર્શનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર લખ્યું, ‘તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય અને ખૂબ જ ધિક્કારપાત્ર છે કે કપિલ દેવને અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ માટે ક્રિકેટ સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં ન આવ્યું.’
કપિલ દેવને આમંત્રણ આપવામાં ન આવ્યું
તેમણે આગળ લખ્યું છે કે, ‘બેદીની જેમ કપિલ દેવ પણ પોતાના મનની વાત કહેવા માટે જાણીતા છે અને તેઓ થોડા મહિના પહેલા આંદોલનકારી મહિલા કુસ્તીબાજોના સમર્થનમાં તેઓ ખુલ્લેઆમ સામે આવ્યા હતા.’ BCCI દ્વારા જારી કરાયેલા પ્લાન મુજબ વર્લ્ડ કપની મેચ દરમિયાન વિશ્વ વિજેતા ટીમના કેપ્ટનોનું સન્માન કરવામાં આવનાર હતું. જેના માટે કપિલ દેવને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
કપિલ દેવે શું કહ્યું?
એક ચેનલ સાથે વાતચીત દરમિયાન જ્યારે પૂર્વ ભારતીય કેપ્ટનને પૂછવામાં આવ્યું કે તેઓ ફાઈનલ મેચમાં કેમ ન ગયા, ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેમને આમંત્રણ જ આપવામાં આવ્યું નહોતું. કપિલ દેવે કહ્યું કે, ‘મને અહીં બોલાવવામાં આવ્યો તો હું અહીંયા આવી ગયો, મને ત્યાં ન બોલાવાયો તો હું ન ગયો. હું તો ઈચ્છતો હતો કે મારી 83ની આખી ટીમને બોલાવી હોત તો તે વધુ સારું હોત. પરંતુ ત્યાં ઘણું કામ ચાલી રહ્યું છે, ઘણા લોકો છે, ઘણી બધી જવાબદારીઓ છે. ક્યારેક-ક્યારેય લોકો ભૂલી જાય છે.’