ખેડૂતોને વાયદા કરી સરકાર ભૂલી ગઈ, પાટણના MLA કિરીટ પટેલે કરાવ્યું યાદ !
પાટણ: ખેતી પાક માં સિંચાઈ માટે ખેડૂતોને રાત્રિના ઉજાગરા ન કરવા પડે તે માટે સરકારે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે પરંતુ હજુ પાટણ અને…
ADVERTISEMENT
પાટણ: ખેતી પાક માં સિંચાઈ માટે ખેડૂતોને રાત્રિના ઉજાગરા ન કરવા પડે તે માટે સરકારે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે પરંતુ હજુ પાટણ અને સરસ્વતી પંથકના ઘણા ગામોમાં અડધી રાત્રે વીજળી આપવામાં આવી રહી છે.જેના કારણે ખેડૂતોને શિયાળાની હાડ થીજવતી ઠંડીમાં ઉજાગરા કરીને પિયત કરવું પડી રહ્યું છે. ખેડૂતોની મુશ્કેલી જોવા છતાં આંખ આડા કાન કરતી સરકારના કાન આમળવાનું કામ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કર્યું છે. કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી દિવસે વીજળી આપવા માટે માગ કરી છે.
કિરીટ પટેલે CMને યાદ કરાવ્યો વાયદો
રાજ્યના ખેડૂતોને દિવસના બદલે રાત્રે વીજળી મળતી હોવાથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં કેટલાક રવિ પાકોને ઓછું પાણી આપવાનું હોવાથી રાત્રે અંધારામાં પિયત કરવું ખૂબ મુશ્કેલ બને છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ખેડૂતોની વ્હારે આવ્યા છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોને રાત્રીના બદલે દિવસે વીજળી આપવા માટે માગ કરી છે. સાથે તેમણે એક નિવેદન આપ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી પાટણ અને અન્ય કેટલીય જગ્યાઓ પર ખેડૂતોને રાત્રે વીજળી આપવામાં આવે છે. જ્યારે પ્રધાનમંત્રી મોદીએ કિસાન સૂર્યોદય યોજનાની શરુઆત કરી તો પાટણ જિલ્લાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધો હતો અને ખેડૂતોને દિવસે વીજળી આપવાની વાત કરી હતી. પરંતુ આજે પાટણ જિલ્લાના મોટાભાગના ખેડૂતોને દિવસે વીજળીના બદલે રાત્રે 8 થી 4 વાગ્યા સુધી અને 12થી સવારે 8 વાગ્યા સુધી વીજળી આપવામાં આવે છે. અત્યારે શિયાળાની ઠંડી છે ખેડૂતો રાત્રે ખેતી કરી શકતા નથી. ઘણી જગ્યાએ વિધવા બહેનો રાત્રે ખેતરમાં જઈ શકતી નથી અને પાણીનો બગાડ થાય છે. ખેડૂતોને ભારે નુકસાન થાય છે. રાત્રે જાનવરોનો પણ ભારે ત્રાસ હોય છે. એક તો પાણી હોય નહી અને પાણીનો બગાડ થાય માટે સરકારને કહેવુ છે કે આપેલા વચનો પૂરા કરો. અને એટલે જ મે મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે માગ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
રાત્રે વીજળીથી ખેડૂતોને મોટુ નુકસાન
રવિ પાકોમાં ખાસ કરીને તમાકુ જીરુ અજમો વરીયાળી ઘઉં જેવા પાકો ને નાના ક્યારા કરીને ઓછું પાણી આપવું પડે છે. પરંતુ પાટણ અને સરસ્વતી પંથકના ઘણા ગામોમાં ટ્યુબવેલ પર દિવસના બદલે રાત્રે 12:00 થી સવારે 8:00 સુધી વીજળી આપવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોને રાત્રિના અંધારામાં આ પાકોમાં પિયત કરવું ખૂબ મુશ્કેલ બને છે. એક બાજુ કડકડતી ઠંડીમાં ખેડૂતો રાત્રે ખેતરોમાં તાપણાના સહારે સિંચાઈ કરી રહ્યા છે. તેવામાં રાત્રિના અંધારામાં પાકમાં જરૂર કરતાં વધારે પાણી કયારા માં ભરાઈ જાય તો પાકને નુકસાન થાય છે.
ADVERTISEMENT
અગાઉ પણ કરી હતી મૌખિક રજૂઆત
ઠંડીમાં ઠુઠવાતા ખેડૂતોએ કરેલા ઉજાગરા પણ માથે પડે છે ત્યારે રવિ પાકોના સિંચાઈ માટે ટ્યુબવેલ પર રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતોની માગ ઉઠી છે. વિધાનસભાની ચૂંટણી સુધી દિવસે વીજળી મળતી હતી.પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ મોટાભાગના ગામોમાં દિવસના બદલે રાત્રે સિંચાઈ માટે વીજળી આપવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોને કડકડતી ઠંડીમાં પિયત કરવું પડે છે. ત્યારે રાત્રિના બદલે દિવસે વીજળી આપવી જોઈએ જોકે આ બાબતે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલને પણ મૌખિક રજૂઆત કરવામાં આવી છે.
રાત્રે પિયત કરતા ઝેરી જીવજંતુ કરડવાનો ભય
રાત્રે ખેતરમાં પિયત કરતી વખતે ઝેરી જીવજંતુ કરડવા નો ભય સતાવે છે. શિયાળા ની ઠંડી માં ઊભા પાકમાં ખેતરોમાં રાત્રે પિયત કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે ખેડૂતોને રાહત રહે તે માટે રાત્રિના બદલે દિવસે વીજળી આપવી જોઈએ.ખેડૂતો જે અનાજ થકી આપણને જીવતદાન આપે છે એ જગતના તાતના જીવ સાથે સરકાર કેમ ચેડા કરે છે તેવા પણ સવાલો ઉઠી રહ્યાં છે.
ADVERTISEMENT