ચૂંટણી ટાણે જ રાજસ્થાન કોંગ્રેસમાં આવેલા રાજકીય ભૂકંપનો ઝટકો ગુજરાતમાં અનુભવાશે?
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ટાણે જ રાજસ્થાન કોંગ્રેસમાં મોટો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની કમાન સોંપવા માટે યોગ્ય ઉમેદવાર શોધતી કોંગ્રેસને રાજસ્થાનમાં…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ટાણે જ રાજસ્થાન કોંગ્રેસમાં મોટો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની કમાન સોંપવા માટે યોગ્ય ઉમેદવાર શોધતી કોંગ્રેસને રાજસ્થાનમાં રાજકીય ભૂકંપ આવતા દિગ્ગજ નેતાઓને ત્યાં દોડાવવા પડ્યા. સચિન પાયલોટ મુખ્યમંત્રી ન બને તે માટે અશોક ગેહલોત સમર્થિત જૂથના કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું ધરી દેવાની જાહેરાત કરી હતી. સોનિયા ગાંધી પણ રાજસ્થાનના નેતૃત્વથી નારાજ હતા. ત્યારે ચર્ચા છે કે અશોક ગેહલોતે માફી માગી લીધી છે. એવામાં તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બનવા દાવેદારી નોંધાવે તેવી શક્યતા નહીંવત છે.
ગુજરાત પર નહીં રાજસ્થાન પર કોંગ્રેસની નજર
અશોક ગેહલોતની ગુજરાતના ચૂંટણીમાં સીનિયર ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરવામાં આવેલી છે. પરંતુ રાજસ્થાનમાં જે રીતે રાજકીય ભૂકંપ આવ્યો છે તેના ઝટકા ગુજરાતમાં અનુભવાઈ શકે છે. કોંગ્રેસે ગુજરાતની ચૂંટણીમાં 125 બેઠકો જીતવાનું લક્ષ્યાંક રાખ્યું છે. જોકે ગુજરાતમાં ચૂંટણી ટાણે જ કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓની નજર હાલમાં ગુજરાત કરતા રાજસ્થાનનો વિવાદ શાંત કરવા પર વધારે છે, આ માટે પાર્ટીના લિડરો વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. અશોક ગેહલોતનું ધ્યાન પણ ગુજરાતથી દૂર રાજસ્થાનમાં લાગેલી આગ ઠારવા પર છે.
ગુજરાતના મતદારોનો વિશ્વાસ ગુમાવી શકે છે કોંગ્રેસ
ગુજરાતમાં ચૂંટણીને લઈને આગામી દિવસોમાં પ્રિયંકા ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનમાં ડેમેજ કન્ટ્રોલના પ્રયાસમાં લાગેલા અન્ય દિગ્ગજ નેતાઓની હાજરીની ઉણપ તેમના ચૂંટણી કેમ્પેઈનમાં વર્તાઈ શકે છે. બીજી તરફ જો રાજસ્થાનમાં આવેલા રાજકીય ભૂંકપનો ઉકેલ જલ્દી નહીં આવે તો ગુજરાતના મતદારોનો વિશ્વાસ પણ કોંગ્રેસ ગુમાવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT