BREAKING: ટિકિટ ન મળતા નારાજ કાંધલ જાડેજાનું આખરે NCPમાંથી રાજીનામું
પોરબંદર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રોજે રાજ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. NCPમાંથી કાંધલ જાડેજાએ ટિકિટ ન મળતા રાજીનામું આપી દીધું છે. કાંધલ…
ADVERTISEMENT
પોરબંદર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રોજે રાજ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. NCPમાંથી કાંધલ જાડેજાએ ટિકિટ ન મળતા રાજીનામું આપી દીધું છે. કાંધલ જાડેજાએ કુતિયાણા બેઠક પરથી NCP અને અપક્ષ એમ બે ફોર્મ ભર્યા હતા. જોકે કોંગ્રેસ સાથે ગઠબંધન કરનાર NCPએ મેન્ડેટ ન આપતા કાંધલ જાડેજાએ રાજીનામું આપી દીધું છે. કાંધલ જાડેજા 2012માં NCPમાં જોડાયા હતા અને છેલ્લી બે ટર્મથી તેઓ કુતિયાણા બેઠકના ધારાસભ્ય રહ્યા છે. તેમને ટિકિટ ન મળતા ગઈકાલે જ NCPમાંથી ઘણા હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા હતા.
કાંધલ જાડેજાની વાર્ષિક આવક
સરમણ મુંજાના પુત્ર એવા 50 વર્ષિય કાંધલ જાડેજા પોરબંદરના બોખીરા ખાતેના જ્યુબેલીમાં આવેલા શ્રવણ બંગલામાં રહે છે. મનીષાબેન જાડેજા તેમના પત્ની છે અને તેમને એક પુત્ર છે. કાંધલ જાડેજાએ વર્ષ 2022-23માં ભરેલા ઈન્કમટેક્સ રિટર્નમાં તે નાણાકીય વર્ષ દરમિયાન 16,02,910 રૂપિયા આવક દર્શાવી છે. તેમણે અગાઉ ભરેલા આવકવેરા રિટર્નમાં તેમણે 21-22માં 12,39,820, 2020-21માં 17,36,040, વર્ષ 2019-20માં 11,40295, તથા વર્ષ 2018-19 દરમિયાન 9,93,149 રૂપિયા આવક દર્શાવી હતી.
કાંધલ જાડેજા અને તેમના પરિવારની સંપત્તિ
મુળ ટ્રાન્સપોર્ટ અને ખેતી સાથે જોડાયેલા માત્ર ધોરણ 9 પાસ છે. કાંધલ જાડેજાએ એફીડેવીટમાં દર્શાવ્યા પ્રમાણે તેમની હાથ પર રોકડ 1,75,000 છે તેમના પત્નીના હાથ પર 75,000 અને તેમના પુત્ર પાસે 25,000 રોકડ છે. તેમના વિવિધ બેન્ક એકાઉન્ટમાં 67,78,858 બેલેન્સ છે અને તેમના પત્નીના બેન્ક એકાઉન્ટમાં 50 હજાર રૂપિયા છે જ્યારે તેમની પાસે 30 તોલા સોનું, તેમના પત્ની પાસે 30 તોલા સોનું અને તેમના પુત્ર પાસે 30 તોલા સોનું છે આમ જોવા જઈએ તો ત્રણેયને મળીને 70 તોલા સોનું તેમણે દર્શાવ્યું છે. આમ તેમની કુલ જંગમ મિલકત 84,53,859 રૂપિયા છે તેમના પત્નીની 16,25,000 થાય છે અને તેમના પુત્રની 5,25,000 થાય છે. મૂળ તેમના પરિવારની કુલ જંગમ મિલકત રૂપિયા 1,06,03,859 થવા જાય છે.
ADVERTISEMENT
કાંધલ જાડેજાના માથે છે દેવું પણ
આ તરફ તેમની સ્થાવર મિલકતની વાત કરીએ તો, તેમની પાસે કુલ 120 એકર અને 44 ગુઠા પોતાના નામની જમીન છે. તેમની પાસે તેમના પરિવારના નામ પર કોઈ બીજી જમીન વસાવાયેલા નથી. તેમની જમીનની બજાર કિંમત અંદાજીત રૂ. 16,98,00,000 દર્શાવી છે. તેમની અન્ય મિલકતોને મળીને કુલ સ્થાવર મિલકતની કિંમત રૂ. 19,88,00,000 થવા જાય છે. તેમની પાસે વડિલોપાર્જિત મિલકત રૂપિયા 13,68,00,000 છે. ઉપરાંત તેમણે કેટલીક લોન પેટે દેવા પણ કરેલા છે જેમાં તેમના માથે 38,08,441 છે.
કાંધલ જાડેજા સામે ગુનાઓ
કાંધલ જાડેજા સામે નોંધાયેલા ગુનાઓની વાત કરીએ તો તેમની સામે કોર્ટમાં આરોપો પણ ઘડાઈ ચુક્યા છે. વિદેશી બનાવટની રિવોલ્વોર, કાર્ટીસ, દેશી તમંચો સહિતના હથિયારો મળી આવતા તેમની સામે ગુનો નોંધાઈ ચુક્યો છે. તેમની સામે ગંભીરથી ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે. તેમની સામે ગુનાખોરીના ષડયંત્ર કરવા 120 (બી), 114, દુષ્પ્રેરણા સંદર્ભે 109 અને પુરાવાઓ નાશ કરવા વગેરે બાબતોને લઈને 201, 224, 225 ક આઈપીસી પ્રમાણે ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત તેમની સામે આર્મસ એક્ટ અંતર્ગત ગુનાઓ અને 27 ટાડા કલમ 3 અને 5 અંતર્ગત પણ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. અહીં સુધી કે કાંધલ જાડેજા સામે સુપ્રીમ કોર્ટમાં પણ એપ્રિલ 2022નો કેસ ચાલુ છે જેમાં હાલ કોર્ટમાંથી સ્ટે મેળવેલો છે. કાંધલ જાડેજા સામે ગેરકાયદે હથિયારોના કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટમાં પુરાવાના અભાવે તેમને ક્લીન ચીટ આપવામાં આવી હતી. ઉપરાંત વર્ષ 2017માં તેમણે લગભગ એક ડઝન કરતાં વધુ લોકો જોડે ધમાલ કરી હતી. જેમાં રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખને ઓડેદરા પોલીસ સ્ટેશનમાં જ ઢીબી નાખવાનો આરોપ હતો. તે મામલામાં કાંધલ જાડેજા ઉપરાંત 13 લોકો સામે કેસ થયો હતો. જેમાં પણ પુરાવાના અભાવે કોર્ટે જાડેજા સહિતના 13ને નિર્દોષ જાહેર કર્યા હતા. વર્ષ 2017ની ચૂંટણી વખતની એફીડેવીટ મુજબ તેમની સામે 15 કેસ નોંધાયા હતા જેમાંથી 10 કેસ પોરબંદરમાં, 3 રાજકોટ અને 2 અમદાવાદમાં નોંધાયા હતા. તેમાં તેમની સામે ખંડણી, રાયોટિંગ, કસ્ટડીમાંથી ફરાર થવા જેવા ઘણા ગુના નોંધાયેલા છે. અહીં સુધી કે કાંધલ જાડેજા જ્યારે પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે શિવાની હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ત્યાંથી ફરાર થઈ ગયા હતા. કોર્ટે તેમને અત્યાર સુધી એક વર્ષ અને છ માસની સાદી કેદ અને 10 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT