માલધારીઓનું વિરોધ પ્રદર્શન, સુરતમાં ડેરીમાં તોડફોડ, તાપીમાં દૂધ ઢોળ્યું, ખાંભામાં 30ની અટકાયત
અમદાવાદ: રાજ્યભરમાં માલધારીઓ (Maldhari) દ્વારા આજે ઢોર નિયંત્રણ બિલના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં સુરત, ડીસા, છોટા ઉદેપુર, ખાંભા સહિત જુદા…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યભરમાં માલધારીઓ (Maldhari) દ્વારા આજે ઢોર નિયંત્રણ બિલના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં સુરત, ડીસા, છોટા ઉદેપુર, ખાંભા સહિત જુદા જુદા શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતમાં તાપી નદીમાં 300 લિટર જેટલી દૂધ ઢોળી દેવામાં આવ્યું હતું, જ્યારે અમરેલીના ખાંભા શહેરને બંધ કરાવવા નીકળેલા 30 જેટલા યુવકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
સુરતમાં માલધારીઓનો સરકાર સામે અનોખો વિરોધ
સુરતમાં આજે બંધના એલાનમાં માલધારીઓએ વહેલી સવારથી હજારો લીટર દૂધ તાપી નદીમાં પધરાવી તાપી મૈયાનો દૂધથી અભિષેક કર્યો હતો. નાવડી ઓવરા ખાતે મોટી સંખ્યામાં માલધારીઓ પહોંચ્યા હતા, જ્યાં તેમણે 300 લિટર જેટલું દૂધ તાપી નદીમાં ઢોળી દીધું હતું. બીજી તરફ ડભોલી જહાંગીર પુરા બ્રિજ પર તાપી નદીના પાણીમાં હજારો લીટર દૂધ ભરેલા કેન તાપી નદીમાં ઠાલવીને દૂધનો અભિષેક કરાયો હતો. અડાજણમાં આવેલી સુરભી ડેરીમાં ટોળું ધસી ગયું હતું અને તોડફોડ કરી હતી.
છોટા ઉદેપુરમાં માલધારીઓ બંધમાં જોડાયા
છોટાઉદેપુર જિલ્લામાં છ તાલુકા આવેલા છે. માલધારી સમાજ સરકાર સામે વિરોધ માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યો છે. જેના સમર્થનમાં માલધારી સમાજે પોતાની દૂધ-ડેરીઓ બંધ રાખી તેમજ પશુઓને દોહીને દૂધ ઘરમાં જ રાખ્યું હતું. તેઓની માંગણી છે કે સરકાર કાળા કાયદા બનાવે છે પરંતુ માલધારીઓ માટે પશુ ચારાવાવ માટે ગૌચરની જમીન છે નહીં શહેરનો વિકાસ થાય છે, આજુબાજુ ખેડૂતો વિરોધ કરે છે. રોડ ઉપર ગાય માતા નીકળે તો પોલીસ હેરાન કરે છે. સરકાર કાળા કાયદા બનાવી દે છે જંગલમાં જાય તો વન વિભાગના અધિકારીઓ હેરાન કરે છે. પશુ ચરાવવા માટે ગૌચરની જગ્યા બચી જ નથી. સરકાર ગૌચરની જમીન ફાળવી આપે તો માલધારી સમાજ પોતાના પશુ ચરાવી શકે. આવી વ્યવસ્થા ઉભી કરે તો પશુઓ રોડ પર નહીં આવે. જ્યારે નસવાડી માલધારી સમાજના લોકો બાપાસીતારામ મંદિરે ભેગા વળી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ADVERTISEMENT
ખાંભામાં ગામ બંધ કરાવવા નીકળેલા 30ની અટકાયત
અમરેલી-ખાંભામાં પણ માલધારી સમાજ દ્વારા ખાંભા શહેરને બંધ કરાવાયું હતું. ખાંભા માલધારી સમાજ રોડ પર નીકળતા દુકાનો બંધ થઈ. આજે દૂધ વેચાણ બંધ રાખીને ગામ બંધ કરાવવા નીકળેલા માલધારી સમાજના યુવકની અટકાયત થઈ. પોલીસ દ્વારા માલધારી સમાજના 30 જેટલા યુવકોની અટકાયત કરાઈ હતી. જ્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર સોખડા ચોકડી પર ટેન્કર ભરીને દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો હતો.
ડીસામાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું
બનાસકાંઠાના ડીસામાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું. ગૌશાળા-પાંજરાપોળ સહાય મુદ્દે સરકારેો બજેટમાં રૂ.500 કરોડની સહાય જાહેર કરી હતી. જોકે તે સહાય ન ચૂકવતા બંધનું એલાન અપાયું હતું. જેમાં ડીસાના જાણીતા વકીલ, વેપારીઓ જોડાયા હતા. તમામે સરકારની ગૌ સહાયની નીતિઓની ટિકા કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: સુરત/સંજયસિંહ રાઠોડ, છોટા ઉદેપુર/નરેન્દ્ર પેપરવાલા, અમરેલી/હિરેન રવિયા, ડીસા/ધનેશ પરમાર)
ADVERTISEMENT