Hardik Patelના ઈશારે કોંગ્રેસમાંથી પડી રહ્યાં છે રાજીનામાં? જાણો હવે કોણ છોડશે કોંગ્રેસનો સાથ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગૌતમ જોશી/ અમદાવાદઃ ગુજરાતની વિધાનસભા ચૂંટણી 2022 માટે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે. હવે 2017ના ચૂંટણી સંગ્રામ વિશે વાત કરીએ તો ગુજરાતમાં જે પ્રમાણે સામાજિક આંદોલનો થયા હતા એને જોતા કોંગ્રેસને લાગ્યું હતું કે હવે છેવટે તેમનો વનવાસ પૂરો થવા જઈ રહ્યો છે. આ સમયે જે પ્રમાણે રાજકીય વાતાવરણ ઊભું થયું હતું એને જોતા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે એવી ધારણો સેવાઈ રહી હતી. પરંતુ આ વેળાએ પણ કોંગ્રેસ વિપક્ષમાં જ રહી ગઈ હતી. તેવામાં મોટાભાગના કોંગ્રેસના નેતાઓ જે કોંગ્રેસ પાર્ટીનો ચહેરો બની ગયા હતા તેઓ ભાજપ સામે સરન્ડર તઈ ગયા અને કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.

કોંગ્રેસ 2017માં ઘણી મજબૂત પાર્ટી બની ગઈ…
રાજ્યના ત્રણ સામાજિક આંદોલનકારી નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીનું કોંગ્રેસને જ સમર્થન હતું. તેવામાં પાર્ટીને એવી આશા હતી કે આગળ જતા પણ આ ત્રણેય નેતાઓ ગુજરાતમાં જ કોંગ્રેસનો ચહેરો બનીને રહેશે. રાજકીય વિશ્લેષકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ અનુમાન લગાવી રહ્યા હતા કે કોંગ્રેસ આગામી ચૂંટણીમાં વધુ મજબૂત રહેશે.

ADVERTISEMENT

મેવાણીએ કોંગ્રેસનો હાથ પકડી રાખ્યો…
કોંગ્રેસે આ તમામ આંદોલનકારી નેતાઓને ઘણુ મહત્ત્વ અને માન સન્માન પણ આપ્યું હતું. પરંતુ 5 વર્ષના સમયગાળામાં જોતજોતામાં તો એક પછી એક નેતાઓ કોંગ્રેસમાં આવ્યા અને જે ભાજપ સામે આંદોલન કરી તેઓ પોતે મોટો ચહેરો બન્યા એ જ ભાજપ સામે તેઓ સરેન્ડર થઈ ગયા હતા. બસ દિગ્ગજ નેતાઓમાંથી માત્ર કોંગ્રેસનો હાથ જિગ્નેશ મેવાણીએ જ પકડી રાખ્યો છે.

2017માં જેટલી કોંગ્રેસને મજબૂતી મળી એટલું જ 2022માં નુકસાન થયું
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 દરમિયાન કોંગ્રેસની પાર્ટી અલગ એપ્રોચ સાથે મેદાનમાં ઉતરી હતી. અહીં સામાજિક આંદોલનકારીઓના સમર્થનના કારણે કોંગ્રેસને ઘણો ફાયદો થયો હતો. પરંતુ 5 વર્ષની અંદર 2022ના ચૂંટણી ગણિતને જોતા હવે કોંગ્રેસ પાર્ટીને મોટાપાયે નુકસાન વેઠવાની ફરજ પડી છે. નોંધનીય છે કે કોંગ્રેસે આ નેતાઓને ઘણુ મહત્ત્વ આપ્યું હતું. પરંતુ તેમણે જેવો પાર્ટીનો સાથ છોડ્યો કે તરત જ તેઓના સમર્થકો પણ એક પછી એક કોંગ્રેસનો સાથ છોડતા ગયા હતા. જેનું તાજું ઉદાહરણ છે વિશ્વનાથસિંહ વાઘેલા કે જેઓએ તાજેતરમાં કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપીને ગણતરીની કલાકોમાં કેસરિયો ધારણ કરી લીધો છે.

ADVERTISEMENT

હાર્દિકના ઈશારે હવે કોના કોના રાજીનામા પડી શકે!
વર્ષ 2019માં કોંગ્રેસમાં જોડાયા પછી પાર્ટીએ હાર્દિક પટેલે મોટી જવાબદારીઓ સોંપી દીધી હતી. કોંગ્રેસે તેમને કાર્યકારી અધ્યક્ષ પણ બનાવ્યા હતા. બીજી બાજુ જોવા જઈએ તો યૂથ કોંગ્રેસ અને NSUI પર વર્ષોથી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ જૂથનો દબદબો હતો. પરંતુ કોંગ્રેસમાં હાર્દિક પટેલનો પ્રભાવ વધતા એની સીધી અસર યૂથ કોંગ્રેસની ચૂંટણી પર પડી હતી. જેમાં વિશ્વનાથ સિંહ વાઘેલાની જીત થઈ હતી. નોંધનીય છે કે પાર્ટીમાં હાર્દિક પટેલના કહેવાથી ઉચ્ચ હોદ્દાઓ પર તેના સમર્થિત લોકોને સ્થાન આપવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં હાર્દિક પટેલના કહેવા પર જ કોંગ્રેસે ઘણા નેતાઓને ટિકિટ આપી હતી. આ અંગે કોંગ્રેસના નેતાઓ પણ જાણકારી આપી ચૂક્યા છે.

લલિત વસોયા આગામી સમયમાં મોટો નિર્ણય લઈ શકે!
હાર્દિક પટેલના રાજીનામા બાદ વિશ્વનાથસિંહ વાઘેલા સહિત અન્ય બીજા લોકોએ પણ રાજીનામાં ધરી દીધા છે. હવે આગામી સમયમાં હાર્દિક પટેલના સાથી રહી ચૂકેલા લલિત વસોયા કે જેઓ અત્યારે ધારાસભ્ય છે, તે પણ આગામી સમયમાં પાર્ટીમાંથી રાજીનામું આપી શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

ADVERTISEMENT

આ ઉપરાંત પણ અન્ય બીજા લોકો આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. આવી રીતે હાર્દિક પટેલના રાજીનામાં પછી આગામી સમયમાં હાર્દિક સમર્થિત લોકો પણ રાજીનામુ આપી શકે છે. જેના લીધે કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ વણસી રહી છે અને એવી છબી પણ પ્રસ્થાપિત થઈ શકે છે કે કોંગ્રેસ પાર્ટી સતત તૂટી રહી છે. ત્યારે સમગ્ર મુશ્કેલીઓમાંથી કોંગ્રેસ હવે કઈ રીતે બહાર આવે છે તે જોવું રસપ્રદ રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT