ગુજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલ એકલા હાથે સફાઈ અભિાયનમાં જોડાયા, કોઈ સેવક કે કર્મચારીએ મદદ ન કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠમાં છેલ્લા કેટલાક દિવસોથી સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાતના રાજ્યપાલ અને વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત છેલ્લા ચાર-પાંચ વખતથી જાતે જ વિદ્યાપીઠની સફાઈ કરવા જઈ રહ્યા છે. ગઈકાલે પણ રાજ્યપાલ તેમના પત્ની સાથે વિદ્યાપીઠમાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને જાતે જ પ્લાસ્ટિકની બોટલ, ખરી ગયેલા પાંદડા, રૂમની બહાર થયેલા બાવા-જાળા નીચે પાડ્યા હતા. જોકે ચોંકાવનારી બાબત એ છે કે આ કામમાં ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાંથી કોઈ સેવક કે કર્મચારી જોડાયા નહોતા.

40 ટ્રક ભરીને કચરો-ભંગાર વિદ્યાપીઠમાંથી કઢાયો
સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં જ ઠેર-ઠેર કચરો જોવા મળી રહ્યો છે. એવામાં કુલપતિ આચાર્ય દેવવ્રતે જ સફાઈ-ઝુંબેશ હાથ ધરી હતી. ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનમાં અત્યાર સુધીમાં 40 ટ્રક ભરીને કચરો-ભંગાર કાઢવામાં આવ્યો છે. ચાર જેસીબી, ડમ્પર તથા ટેન્કર સાથે 40 જેટલા સફાઈકર્મીઓ સ્વચ્છતા અભિયાનમાં લાગ્યા છે. ખાસ વાત એ છે કે પરિસરમાં 1400 જેટલા લોકો રહે-ભણે છે, પરંતુ રાજ્યપાલના સફાઈ અભિયાનમાં કહેવા પૂરતા પણ કોઈ ગાંધીયન સેવક કે કર્મચારી જોડાયા નહોતા. જેના કારણે રાજ્યપાલે પણ ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું.

ADVERTISEMENT

1400 લોકો રહેતા-ભણતા હોય તે પરિસરમાં આટલી ગંદકી?
તેમણે કહ્યું હતું કે, સ્વચ્છતા માટે ઈચ્છાશક્તિ જોઈએ. જે પરિસરમાં 1400 જેટલા લોકો રહેતા હોય-ભણતા હોય એ પરિસરમાં આટલી ગંદકી હોઈ જ કેવી રીતે શકે ? તેમણે વિદ્યાર્થીઓને દરરોજ નિયમીત શ્રમદાન કરવા આહવાન કર્યું છે. વિદ્યાપીઠનું રમતગમતનું મેદાન સાફ કરીને તેને સમતળ કરવા ચાર ટ્રક ભરીને માટી પાથરવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બે દિવસ પહેલાં જ્યાંથી કચરો ઉપાડ્યો હતો, તે જગ્યાએ તેમણે કોબીજ, રીંગણા, મરચાં, ટમેટા અને ડુંગળીના ધરુ વાવ્યા હતા.

ADVERTISEMENT

20મી ઓક્ટોબરે વિદ્યાપીઠના કુલપતિનું પદ સંભાળ્યું
નોંધનીય છે કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 20 મી ઓક્ટોબરે ગુજરાત વિદ્યાપીઠનું કુલપતિપદ સંભાળ્યું છે ત્યારથી આજ સુધીમાં તેમણે આઠથી નવ વખત ગુજરાત વિદ્યાપીઠની રૂબરૂ મુલાકાત લીધી છે. વર્ષ-1920માં પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે આદર્શ વિચારધારા સાથે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી છે તે આદર્શો અત્યારે ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ક્યાંય દેખાતા નથી. પોતાની જાતને ‘ગાંધીયન’ ગણાવતા લોકોના વ્યવહારિક જીવન જોઈએ તો અત્યંત દુઃખ અને વ્યથા થાય છે.

ADVERTISEMENT

રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠને પૂજ્ય ગાંધીજીના આદર્શો અનુસાર બનાવવાના આ ઈમાનદાર પ્રયત્ન અને કર્તવ્યનિષ્ઠાથી જરૂર સફળતા મળશે. પૂજ્ય ગાંધીજીના વિચારો ઋષિ વિચારો છે, જેમાં ભારતીય જીવનમૂલ્યો છે. ગાંધીજીના વિચારો સત્યના વિચારો છે, જે હંમેશા અમર રહેશે. તેમણે કહ્યું હતું કે, સૌ સાથે મળીને આ અભિયાન ચલાવીશું તો વધુ દ્રઢતાપૂર્વક ગાંધીજીના આદર્શોનું પુનઃસ્થાપન કરી શકીશું.

 

    follow whatsapp

    ADVERTISEMENT