નકલી પત્રકારોની ઓળખ આપી ડમ્પર ચાલકો પાસેથી કરતા હતા ઉઘરાણી, ડમ્પરના માલિકે કરી ફરિયાદ
ધનેશ પરમાર, બનાસકાંઠાઃ નકલી ઓળખ આપીને લોકોને છેતરવાના કાવતરા કરતા લોકો રાજ્યમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે. ઘણીવાર નકલી પોલીસના નામે લોકો પાસેથી તોડ કરતા…
ADVERTISEMENT
ધનેશ પરમાર, બનાસકાંઠાઃ નકલી ઓળખ આપીને લોકોને છેતરવાના કાવતરા કરતા લોકો રાજ્યમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે. ઘણીવાર નકલી પોલીસના નામે લોકો પાસેથી તોડ કરતા હોય છે. લોકો ડરના માર્યા આવા તોડબાજોની ચુંગાલમાં આવી જતા હોય છે. આવો જ એક કિસ્સો બનસકાંઠામાં સામે આવ્યો છે. નકલી પત્રકાર બની અને ડમ્પર ચાલકો પાસેથી તોડ કરતી ટોળકી ઝડપાઈ છે.
બનાસકાંઠામાં કહેવાતા પત્રકારો સામે ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ તોડબાજોએ રેતી ભરેલા ડમ્પર ચાલકો પાસેથી તોડબાજી કરી હતી. અને ડમ્પર ચાલકોને પત્રકારો તરીકે પોતાની ઓળખ આપી પૈસા ઉઘરાવતા હતા. જો કે આ ઘટના પ્રકાશમાં આવતા જ પાંચ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે.
ડમ્પર ચાલકો પાસેથી વસૂલી
વિગતવાર વાત કરીએ તો, બનાસ નદીના પટમાંથી રેતી ભરીને જતા વાહન ચાલકો પાસેથી,પત્રકારોના નામે કેટલાક ઈસમો વિવિધ વાંધા અને નિયમો બતાવી,ચાલકો પાસેથી પૈસા ઉઘરાવતા હતા.આ ઈસમો પોતાની ઓળખાણ પત્રકારો તરીકે આપતા હતા.અને પોતાની ઓળખાણ ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિયેશનના આઈકાર્ડ પણ બતાવતા હતા. પોતાની ઓળખાણના નામે રેતી લઈ જતા વાહનચાલકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવતા હતા. તેઓ ડમ્પર ચાલકોને ઊભા રાખી તેમની પાસેથી રોયલ્ટીના પાસ તેમજ અન્ય કાગળો માગી મોટી રકમની ઉઘરાણી કરતા હતા.
વાહનચાલક પાસે માગ્યા 25,000
જેમાં બનાસ નદીમાંથી કાંકરેજ તાલુકામાં રેતી ભરેલું ડમ્પર નીકળતા આ ઈસમોએ થરાદ તાલુકાના જેતડા ગામના ભગવાન સિંહ રાજપુત નામના ચાલકને રોકાવી ધમકાવ્યો હતો.આ વાહનના માલીક થરાદના દુદાભાઈ રાજપુત હતા.આ ડમ્પર રેતી ભરી રોયલ્ટી પાસ ,લઈને થરાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે ભીલડી બ્રિજ પાસે,આ ડમ્પરની પાછળ એક સ્વીફ્ટ કારમાં આવેલા પાંચ શખ્સોએ ડમ્પરને રોકાવી ચાલક પાસેથી રોયલ્ટી પાસ માંગ્યો હતો. તેથી ચાલકે રોયલ્ટી પાસ રજૂ કરતા તેઓને આ પાસ નકલી હોવાનો જણાવી તેની પાસેથી ₹25,000 ની માંગણી કરી હતી. અને ડમ્પરની ચાવી પણ લઈ લીધી હતી.જોકે ગભરાઈ ગયેલા ચાલકે પોતાના માલિકને ફોન કરીને આ ટના વિશે કહેતા, આ ઘટના બાદ ડમ્પરના માલિકે ભીલડી પોલીસને જાણ કરી હતી.જેથી ભીલડી પોલીસે તુરંત કાર્યવાહી કરી આ પાંચ ઈસમો ને રંગે હાથ ઝડપી પાડયા છે.
પાંચેય તોડબાજોને પોલીસે ઝડપ્યા
ભીલડી પોલીસે રેતી વહન કરતા વાહન ચાલકો પાસેથી પૈસા વસુલતા ઝડપેલ ઈસમોમાં કલ્પેશ આચાર્ય,રમેશજી ઠાકોર ,દશરથ ઠાકોર, શૈલેષસિંહ સોલંકી અને કિર્તીસિંહ સોલંકી હોવાનું બહાર આવ્યું છે.આ પત્રકારો ક્રાઇમ એન્ડ કલેક્શન કંટ્રોલ એસોસિયેશનના કાર્ડ બતાવી,લોકો પર રોફ જમાવતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તેમજ અગાઉ પણ આ પત્રકારો અનેક વાહન ચાલકો પાસેથી મોટી રકમની વસૂલી કરતાં હોવાનું પણ ખૂલ્યું છે.જોકે હાલ તો તમામની અટકાત કરી તેમની સામે ભીલડી પોલીસે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT