હાર ભાળીને મતગણતરી કેન્દ્ર છોડી ઘરે જતા રહેલા કોંગ્રેસના નેતા, પણ છેલ્લે-છેલ્લે નસીબ ચમકી ગયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. 77માંથી પાર્ટી માત્ર 17 બેઠકો પર આવી ગઈ છે. અમદાવાદની વાત કરીએ તો શહેરની 21માંથી કોંગ્રેસને 2 બેઠકો મળી છે. જેમાં મતગણતરી દરમિયાન દાણીલીમડાથી કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમાર સાથે અનોખો બનાવ બન્યો હતો. મતગણતરી સમયે કોંગ્રેસના ઉમેદવાર શરૂઆતના રાઉન્ડમાં પાછળ રહેતા હાર થયાનું માનીને ઘરે જતા રહ્યા હતા, પરંતુ 12મા રાઉન્ડમાં તેમનું નસીબ ચમક્યું અને અંતિમ રાઉન્ડ સુધીમાં તેઓ 14 હજારની લીડથી જીતી ગયા.

છેલ્લા રાઉન્ડમાં 14 હજારની લીડથી જીતી ગયા
દાણીલીમડાથી કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમારે જીત મેળવી છે. ગઈકાલે મતગણતરી દરમિયાન શૈલેષ પરમાર પાછળ હતા. શરૂઆતના સાત રાઉન્ડમાં તેઓ ભાજપના ઉમેદવારથી 8 હજાર મતોથી પાછળ ચાલી રહ્યા હતા. જેના કારણે હાર થઈ હોવાનું માનીને તેઓ મતદાન કેન્દ્ર છોડી વીલા મોઢે કાર્યકરો પાસે આવીને બેસી ગયા હતા. જોકે 12મો રાઉન્ડ આવતા તેઓ 12 હજારની લીડથી આગળ પહોંચી ગયા હતા. માહિતી મળતા જ ફરીથી શૈલેષ પરમાર દોડીને મતદાન કેન્દ્ર પહોંચી ગયા હતા. અને આખરે તેઓ 69 હજાર વોટ મેળવી જીતી ગયા. જ્યારે ભાજપના ઉમેદવારને 55 હજાર વોટ અને AAPના ઉમેદવારને 23 હજાર વોટ મળ્યા હતા. આમ આખરે દાણીલીમડા બેઠકથી જીત થતા શૈલેષ પરમારના જીવમાં જીવ આવ્યો હતો.

અમદાવાદમાં કોંગ્રેસને 2 સીટ મળી
અમદાવાદમાં 21માંથી ભાજપને 19 બેઠકો પર જીત મળી છે, જ્યારે 2 બેઠકો પર કોંગ્રેસને જીત મળી છે. જેમાંથી એક દાણીલીમડા બેઠક અને બીજી જમાલપુર-ખાડિયા બેઠક કોંગ્રેસને મળી છે.

ADVERTISEMENT

કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષનું સ્થાન પણ નહીં મળે?
ગુજરાતમાં ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસના હાલ બેહાલ થઈ ગયા છે. એવામાં હવે તેને વિધાનસભામાં વિરોધ પક્ષનું પણ પદ ન મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. વિધાનસભામાં વિપક્ષમાં બેસવા માટે કોંગ્રેસને આછોમાં ઓછી 19 બેઠકો જીતવી જરૂરી હતી, પરંતુ તે 17 બેઠકો જ જીતી શકી છે. એવામાં વિધાનસભામાં પણ કોંગ્રેસનું સ્થાન હાંસિયામાં ધકેલાઈ શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT