CMની ઘાટલોડિયા બેઠક પર કોંગ્રેસે ઉતાર્યા રાજ્યસભા સાંસદને
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઉમેદવારોની યાદી જાહેર કરવા મામલે ભાજપની યાદી જાહેર થશે તે પછી કોંગ્રેસ જાહેર કરશે તેવી વાત હતી જોકે…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઉમેદવારોની યાદી જાહેર કરવા મામલે ભાજપની યાદી જાહેર થશે તે પછી કોંગ્રેસ જાહેર કરશે તેવી વાત હતી જોકે હવે તેવું નથી. કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 43 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસે જાહેર કરેલી આ પ્રથમ યાદીમાં જ ઘાટલોડિયા બેઠક કે જે પરંપરાગત રીતે ભાજપની છે અને હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ત્યાંથી જ જીતીને આવ્યા હતા તેમની સામે અમીબેન યાજ્ઞિનના નામની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી જંગમાં ગમે તે થાય પરંતુ હાલની સ્થિતિએ શુક્રવારની મોડી રાત્રે કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરીને ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓની ઉંઘ જરૂર બગાડી છે.
રાજ્યસભા સાંસદને ઉતાર્યા ધારાસભામાં
ગુજરાત કોંગ્રેસ માટે ઉમેદવાર કોણ રહેશે તે અસમંજસ જેવો મામલો હતો. ગુજરાત કોંગ્રેસે અડધી રાત્રે 11 વાગ્યે 43 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. જેમાં રાજ્યસભાના સાંસદ અમિબેનને ઉમેદવારી માટે ઉતારવામાં આવ્યા છે. મતલબ કે રાજ્યસભા સાંસદને ધારાસભા લડવા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઘાટલોડિયા બેઠક પરથી તેઓ ઉમેદવારી કરવાના છે. કોંગ્રેસનું આ નામ ભાજપને આ બેઠક પર ટક્કર આપવા માટે ઘણું સક્ષમ છે કારણ કે અમિબેનને પ્રખર વક્તા માનવામાં આવે છે સાથે જ તેઓ એવા નેતા છે કે જેમનો લોકસંપર્ક બનાવવાની રીતભાત સાવ અલગ રહી છે. સાથે જ એક મહિલા ઉમેદવાર તરીકેનો તેઓ એક મજબુત ઉમેદવાર છે. કોંગ્રેસ દ્વારા લાંબા સમયથી એક મૌન ધારણ કર્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી હતી કોંગ્રેસના મૌનની નોંધ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી. શાંત રહીને આ એક મોટો માસ્ટર સ્ટ્રોક કોંગ્રેસ રમી ગઈ છે તેવું હાલના તબક્કે કહી શકાય પરંતુ ઘાટલોડિયા બેઠક પરથી ભાજપને હરાવવું તે પણ કોઈ સામાન્ય વાત નથી, કારણ કે આ બેઠક પરથી ભાજપના ઉમેદવારો મોટી લીડથી જીતતા આવ્યા છે.
ડો. હિમાંશુ પટેલને આખરે કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા
આ ઉપરાંત કોંગ્રેસના જુના જોગી અને લાંબા સમયથી કોંગ્રેસને વરેલા રહેલા ડો. હિમાંશુ પટેલને આખરે તેમના મત વિસ્તાર ગાંધીનગર દક્ષિણથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આ બેઠક પર એક શિક્ષિત અને મતવિસ્તાર સાથે જોડાયેલા ડો. હિમાંશુ પટેલનું નામ જાહેર કર્યું છે. તેઓ લાંબા સમયથી આ બેઠક પરથી ઉમેદવારી કરવાની દાવેદારીના લિસ્ટમાં હતા. જોકે તેમની એ દાવેદારી ઉમેદવારીમાં પરિવર્તિત થતી ન હતી. આખરે કોંગ્રેસે હવે તેમના પર વિશ્વાસ મુક્યો છે અને તેમને અહીં ટિકિટ આપી છે. ઉપરાંત જ્યાં આમ આદમી પાર્ટીનો દબદબો વધ્યો છે તેવા વરાછા રોડ બેઠક પરથી પ્રફુલ તોગડિયાના નામની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા ઉમેદવારી નોંધાવી શકે છે તેવી પ્રબળ શક્યતાઓ રાજકીય પંડીતો વ્યક્ત કરતા હતા તે બેઠક પર હવે કોંગ્રેસ તરફથી પ્રફુલભાઈ ઉમેદવારી કરવાના છે.
ADVERTISEMENT
એલિસબ્રિજ બેઠક પરથી કોંગ્રેસ ઉતાર્યા આ નેતા
મહત્વની બેઠકોની વાત કરીએ તો ગુજરાત ભાજપનો ગઢ ગણાતી એલિસબ્રિજ બેઠક પરથી આ વખતે કોંગ્રેસે ભીખુ દવેને ઉતાર્યા છે. તેવી જ રીતે કડીની એસસી અનામત બેઠક પરથી પ્રવિણ પરમારને ઉતાર્યા છે. વડોદરાની સયાજીગંજ બેઠક પરથી અમિ રાવતને ટિકિટ મળી છે જ્યારે અકોટા બેઠક પરથી ઋત્વિક જોશી પર વિશ્વાસ મુક્યો છે. ઉપરાંત વડોદરાની રાવપુરા બેઠક પરથી સંજય પટેલ, માંજલપુર બેઠક પરથી ડો. તન્વી સિંઘને મેદાને ઉતારવામાં આવ્યા છે.
ભાજપની સુરતની બેઠકો પર ટક્કર આપશે આ ઉમેદવારો
ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં સુરતે ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા હતા. કોંગ્રેસે સુરતની બેઠકો પર પોતાના ઉમેદવારના નામોની જાહેરાત કરી છે તે પ્રમાણે ઓલપાડની બેઠક પર દર્શનકુમાર નાયક, કામરેજ બેઠક પરથી નિલેશ કુંભાણી, વરાછા બેઠક પર પ્રફુલ તોગડિયા, કતારગામથી કલ્પેશ વારિયા, સુરત પશ્ચિમથી સંજય પટવા, બારડોલીથી પન્નાબેન પટેલને ઉમેદવારી કરવાની તક આપવામાં આવી છે.
ADVERTISEMENT
(Urvish Patel)
ADVERTISEMENT
ADVERTISEMENT